મુંબઈઃ બોલિવૂડના સૌથી સફળ અને પ્રતિભાશાળી સિંગર્સમાં સામેલ અરિજીત સિંહ ભલે કેમેરાથી દૂર રહેતા હોય પરંતુ તેનો અવાજ લોકોના દિલ પર જાદૂ પાથરી દે છે. એકથી એક ચઢિયાતા હિટ ગીત આપનાર અને અનેક જાણીતા એવોર્ડ્સ પોતાના નામે કરનાર અરિજીત સિંહ હાલમાં પોતાના ફ્લેટ્સને લઈને ચર્ચામાં છે.

સ્ક્વેયર ફીટ ઇન્ડિયાના એક અહેવાલ અનુસાર, સિંગર અરિજીત સિંહે એક નહીં પણ 4 ફ્લેટ એક સાથે ખરીદ્યા છે, જેની કિંમત કરોડોમાં હોવાનું કહેવાય છે. અરિજીતે આ ફ્લેટ મુબંઈના વર્સોવા વિસ્તારમાં ખરીદ્યા છે, જેને પોશ વિસ્તારમાંથી એક ગણવામાં આવે છે.



મીડિયા રિપોર્ટ પ્રમાણે પહેલો ફ્લેટ 32 ચોરસ મીટરનો છે જેની કિંમત લગભગ 1.80 કરોડ રૂપિયા છે. જ્યારે બીજો ફ્લેટ 70 ચોરસ મીટરનો છે જેની કિંમત અંદાજે 2.2 કરોડ રૂપિયા છે. ત્રીજો ફ્લેટ 80 ચોરસ મીટરનો છે જે 2.60 કરોડ રૂપિયા અને ચોથો ફ્લેટ 70 ચોરસ મીટરનો છે જે આશરે 2.50 કરોડ રૂપિયાનો છે. અરિજીતે આ ચારેય ફ્લેટ માટે અંદાજે 9 કરોડ રૂપિયા ચૂકવ્યા હોવાનું કહેવાય છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે અરિજીતે પોતાની પ્રાઇવેસી માટે બિલ્ડિંગનો આખો ફ્લોર ખરીદી લીધો છે.

પશ્ચિમ બંગાળના અરિજીતે પોતાની કારકિર્દીની શરૂઆત 2005માં એક સિંગિંગ રિયલિટી શો થી કરી હતી. શો દરમિયાન તેના પર ફિલ્મમેકર સંજયલીલા ભણસાલીની નજર ગઈ હતી અને ફિલ્મ ‘સાંવરિયા’ માં ‘યૂં શબનમી’ ગીત ગવડાવ્યું હતું. અરિજિતે ફિલ્મ ‘મર્ડર 2’ થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. અરિજિતને 2013માં રિલિઝ થયેલ ફિલ્મ આશિકી-2માં ‘તુમ હી હો’ ગાઈને લોકપ્રિયતા મળી હતી.