નવી દિલ્હીઃ ભાજપે પોતાના રાજ્યસભાના સાંસદો માટે ત્રણ લાઇનનો વ્હિપ જારી કર્યો છે. પાર્ટીએ વ્હિપ જારી કરીને કહ્યું છે કે, સાંસદો ફરજિયાતપણે સંસદમાં મંગળવારે હાજર રહે. ભાજપે કહ્યું કે, સરકારના વલણ પર સમર્થન માટે સાંસદોએ સંસદમાં રહેવું  ફરજિયાત છે.

અટકળો છે કે, ભાજપ રાજ્યસભામાં કોઈ બિલ રજૂ કરી શકે છે. એવું એટલા માટે પણ કહેવામાં આવી રહ્યું છે કે, મંગળવારે એક બાજુ દિલ્હી વિધાનસભા ચૂંટણીના પરિણામ આવવાના છે, ત્યારે આ બજેટ સેશનના પ્રથમ તબક્કાનો અંતિમ દિવસ છે. આમ તો મંગળવારે સાંજે ચાર કલાકે નાણામંત્રી નિર્મલા સીતારમણ બજેટ પર ઉઠાવવામાં આવેલ સવાલોનો જવાબ પણ આપશે.

ભાજપે ત્રણ લાઈનના  વ્હિપમાં સરકારના વલણનું સમર્થન કરવા માટે સાંસદોને હાજર રહેવા માટે કહ્યું છે. એવામાં શું સાંસદોનો કોઈ બિલ પર વોટિંગ માટે હાજર રહેવા માટે કહેવાયું છે કે પછી બજેટ પર નિર્મલાના જવાબના સમર્થન સાથે જોડાયેલ કેસ છે, તેને લઈને અટકળો જોરશોરથી ચાલી રહી છે.

નોંધનીય છે કે, આ બજેટ સત્ર શરૂ થતાં પહેલાં જ સરકારે સ્પષ્ટતા કરી હતી કે તેમનો ટાર્ગેટ 45 બિલ પાસ કરાવવાનો છે. જો પહેલાં તબક્કાના છેલ્લા દિવસે એટલે કે 11 ફેબ્રુઆરીના રોજ સરકાર કોઈ બિલ રજૂ કરશે કે નહીં તેને લઈને કોઇ ખુલીને બોલવા તૈયાર નથી.