મોદીના બાળપણ પર આધારિત શોર્ટ ફિલ્મના સ્ક્રીનિંગમાં સેલિબ્રિટીનો લાગ્યો જમાવડો, જુઓ તસવીરો
આ ફિલ્મમાં વડનગરમાં મોદીના બાળપણને બતાવવામાં આવ્યુ છે. ફિલ્મમાં ચા વેચતા મોદીના બાળપણનો રોલ ગુજરાતી કિશોરે કર્યો છે.
મુંબઈઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી નાના હતા તેમના સંઘર્ષમય બાળપણ પર મંગેશ હદાવલે નામના નિર્દેશકે શોર્ટ ફિલ્મ 'ચલો જીતે હૈ' બનાવી છે. આ ફિલ્મનું સ્પેશિયલ સ્ક્રિનિંગ આજે મુંબઈમાં રાખવામાં આવ્યું હતું. આ શોર્ટ ફિલ્મ જોવા બોલિવૂડ સ્ટાર્સથી માંડી, રાજનેતાઓ, ક્રિકેટર્સ, બિઝનેસમેન સહિત અનેક સેલિબ્રિટીનો જમાવડો લાગ્યો હતો.
ભાજપ અધ્યક્ષ અમિત શાહ, મહારાષ્ટ્રના સીએમ દેવેન્દ્ર ફડણવીસ, ભારતનો પૂર્વ કેપ્ટન સચિન તેંડુલકર, દેશના સૌથી ધનિક વ્યક્તિ અને રિલાયન્સ ગ્રુપના ચેરમેન મુકેશ અંબાણી, અમર સિંહ, કંગના રનૌત, સેન્સર બોર્ડના અધ્યક્ષ પ્રસૂન જોશી, આફતાબ શિવદાસીની, સંજય ખાન, અમિષા પટેલ, મધુર ભંડારકર, ગુલશન ગ્રોવર, રાહુલ મહાજન, ગુરમીત ચૌધરી-દેબિના, ગૌતમ સિંઘાનિયા, તારક મેહતા ફેમ શૈલેષ લોઢા, અનુ મલિક, મધુર ભંડારકર, પ્રીતિ ઝાંગિયાની, અક્ષય કુમાર સહિત અનેક સેલિબ્રિટી હાજર રહી હતી.
આ ફિલ્મમાં મોદીને જીવનમાં આગળ વધવાની પ્રેરણા ક્યાંથી મળી તે અંગેની વાત રજૂ કરવામાં આવી. ફિલ્મમાં બાળકના પાત્રનું નામ 'નારુ' છે. ફિલ્મનું શૂટિંગ ગુજરાતના એ જ રેલવે સ્ટેશન પર થયું છે, જ્યાં એક સમયે મોદી બાળપણમાં ચા વેચતા હતા.
મૂળ મોડાસા તાલુકાના સરડોઈ ગામના 12 વર્ષના માસ્ટર ધૈર્ય દરજીએ નાના મોદીનો રોલ કર્યો છે. ગુજરાતી એવા મોદીના બાળપણનો રોલ ગુજરાતી બાળક પાસે જ કરાવવાનું નિર્દેશકે નક્કી કર્યું હતું.