સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યા કેસ મામલે પોસ્ટમોર્ટમ રિપોર્ટની તપાસ એઈમ્સના તબીબ દ્વારા કરવામાં આવશે. જેના માટે સીબીઆઈ દ્વારા એક ટીમની રચના કરવામાં આવી. આ ટીમમાં એઈમ્સના ચાર ડોક્ટર સામેલ હશે. સીબીઆઈ દ્વારા આ ટીમને સુશાંતસિંહ રાજપુતનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ મોકલી આપવામાં આવ્યો છે.


સૂત્રો મુજબ, એઈમ્સની ટીમનું નેતૃત્વ ફોરેન્સિક મેડિસિનના પ્રમુખ ડૉ સુધીર ગુપ્તા કરશે અને સીબીઆઈને એક બે દિવસમાં અટૉપ્સી રિપોર્ટ અને વીસેરા રિપોર્ટ આપશે. એઈમ્સની ચાર સદસ્યોની ટીમ સુશાંતની અટૉપ્સી રિપોર્ટની તપાસ કરશે.

ડૉ ગુપ્તાનું કહેવું છે કે આ કેસમાં અમારી પ્રાથમિક્તા મોતના તમામ સંભવિત કારણોની તપાસ કરવાનું હશે. ડૉ ગુપ્તાએ આ પહેલા સુનંદા પુષ્કર અને શીના બોરાની મોતના ઘણા હાઈપ્રોફાઈલ મામલામાં પોસ્ટમોર્ટમ કર્યા હતા.

સુશાંત સિંહ રાજપૂત 14 જૂને પોતાન મુંબઈ સ્થિત અપાર્ટમેન્ટમાં મૃત મળી આવ્યો હતો. મુંબઈ પોલીસનું કહેવું હતું કે તેણે આત્મહત્યા કરી હતી અને આ મામલે તપાસ કરી રહ્યા છે. એક મહિનાથી વધુ સમય બાદ સુશાંતના પિતા કેકે સિંહે બિહારમાં ફરિયાદ નોંધાવી હતી. બાદમાં સુપ્રીમ કોર્ટે આ કેસની તપાસ સીબીઆઈને સોંપી છે.

સુશાંત સિંહ રાજપૂત કેસમાં સીબીઆઈની ટીમ મુંબઈમાં છે અને તપાસ શરૂ કરી દીધી છે. એજન્સીએ મુંબઈ પોલીસ પાસેથી આ કેસ સંબંધિત દસ્તાવેજ અને રિપોર્ટ લીધા છે.