મુંબઈ: સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યા કેસ મામલે ફિલ્મકાર મહેશ ભટ્ટની મુંબઈની સાંતાક્રુજ પોલીસે પુછપરછ કરી હતી. મહેશ ભટ્ટ આશરે સવારે 11 વાગ્યે પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. મહેશ ભટ્ટની અંદાજે 2 કલાક સુધી પુછપરછ કરવામાં આવી હતી. પુછપરછ દરમિયાન મહેશ ભટ્ટે પોલીસને શું જણાવ્યું છે તે માહિતી સામે નથી આવી. પરંતુ જણાવવામાં આવી રહ્યું છે મહેશ ભટ્ટને સુશાંતની પ્રોફેશનલ જ નહી પરંતુ પર્સનલ જિંદગી સાથે જોડાયેલા સવાલ પણ પુછવામાં આવ્યા છે.

મહેશ ભટ્ટ, સુશાંતની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તીની નજીકના માનવામાં આવે છે. રિયા ચક્રવર્તીએ પોતે પણ જણાવ્યું કે તે હંમેશા પોતાની અંગત અને પ્રોફેશન લાઈફને લઈને મહેશ ભટ્ટની સલાહ લેતી હતી.

એબીપી ન્યૂઝને મળેલી જાણકારી મુજબ, જીસીપીએ પોતે પૂછપરછ કરી છે. પોલીસે મહેશ ભટ્ટ પાસેથી એ પણ જાણવાની કોશિશ કરી કે યશરાજ ફિલ્મ્સ છોડ્યા બાદ મહેશ ભટ્ટની તેમની સાથે શું વાત થઈ હતી. સાથે જ એ પણ જાણકારી મળી રહી છે કે પોલીસે મહેશ ભટ્ટની આગામી ફિલ્મ સડક 2ને લઈને પણ ઘણા સવાલો પુછ્યા છે. રિપોર્ટ્સ હતા કે ફિલ્મ માટે પ્રથમ પસંદ સુશાંત હતો પરંતુ બાદમાં આ રોલ આદિત્ય રોય કપૂરને આપવામાં આવ્યો હતો.

સુશાંત આત્મહત્યા કેસમાં મુંબઈ પોલીસ અત્યાર સુધીમાં 40 લોકોની પૂછપરછ કરી ચૂકી છે. તેમાં સુશાંતનો હાઉસ સ્ટાફ, પરિવારના સભ્યો, કો-એક્ટર્સ સામેલ છે. આ સિવાય પોલીસે સુશાંતના ડિપ્રેશનની સારવાર કરનાર 3 ડોક્ટર્સના પણ સ્ટેટમેન્ટ લીધા હતા. ડિરેક્ટર શેખર કપૂર, યશરાજ ફિલ્મ્સના માલિક આદિત્ય ચોપરા, કાસ્ટિંગ ડિરેક્ટર શાનુ શર્મા સહિત અન્ય અધિકારીઓની પણ પૂછપરછ થઇ ગઈ છે. સંજયલીલા ભણસાલીની પણ પોલીસે પુછપરછ કરી છે.