મુંબઈઃ ટીવી હોસ્ટ અને એક્ટર શેખર સુમન સુશાંત સિંહ રાજપૂતના પરિવારને મળવા પટના જશે. બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમાર સાથે મુલાકાત કર્યા બાદ સુશાંતના મોત મામલે સીબીઆઈ તપાસ કરવાની અપીલ કરશે. આ માટે તેમણે સુશાંતના ફેન્સને સમર્થન આપવાની માંગ કરી છે. શેખર સુમને આ જાણકારી ટ્વિટર પર આપી છે.

શેખર સુમને ટ્વિટર પર લખ્યું, હું મારા ગૃહનગર પટના જઈ રહ્યો છું. જ્યાં સુશાંત સિંહના પપ્પાને મળીશ અને શ્રદ્ધાંજલિ આપીશ. મુખ્યમંત્રી નીતીશ કુમારને મળીશ અને સુશાંતની સુસાઈડ મુદ્દે સીબીઆઈ તપાસની માંગ કરીશ. સુશાંતના તમામ ફેન્સ આનું સમર્થન કરે.



આ સાથે તેણે જસ્ટિસ ફોર સુશાંત ફોરમ અને સીબીઆઈ ઈન્કવાયરી ફોર સુશાંત પણ હેશટેગ કર્યુ છે. થોડા દિવસો પહેલા શેખર સુમને કહ્યું હતું કે, સુશાંત તેના દીકરા જેવો હતો. હું તેના પિતાનું દર્દ અનુભવી શકું છું. કારણકે આ પ્રકારે જ મારો દીકરો અધ્યયન પણ ડિપ્રેશનમાં છે અને આ અવસ્થામાંથી પસાર થઈ રહ્યો છે. ફિલ્મ ઈન્ડસ્ટ્રીએ તેના માટે અનેક અવરોધો નાંખ્યા હોવાથી તેણે મને એક વાર કહ્યું હતું કે મારા દિમાગમાં આત્મહત્યા કરવાનો વિચાર આવી રહ્યો છે.

અન્ય એક ટ્વિટમાં શેખર સુમને કહ્યું હતું કે, સુશાંતનું મોત હેરાન કરી દેનારી ઘટના છે. તેણે સુશાંત સિંહના મોતની સીબીઆઈ તપાસ કરવા માટે જસ્ટિસ ફોર સુશાંત ફોરમની શરૂઆત કરી છે.