મુંબઈઃ બોલિવુડની હોટ એક્ટ્રેસ સ્વરા ભાસ્કર અને સ્ક્રિપ્ટ રાઇટર હિમાંશુ શર્માનું બ્રેક-અપ થઈ ગયું છે. બંને વચ્ચે છેલ્લા પાંચ વર્ષથી ચાલી રહેલા સંબંધોનો અંત આવ્યો છે. સ્વરાએ 2016માં હિમાંશુ સાથેના પોતાના સંબંધોને જાહેર કર્યા હતાં. સ્વરા ભાસ્કર છેલ્લા 5 વર્ષથી નેશનલ અવોર્ડ વિનર રાઈટર હિમાંશુ શર્માને ડેટ કરતી હતી.



સ્વરા અને હિમાંશુ આનંદ એલ. રાયની ફિલ્મ ‘તનુ વેડ્સ મનુ’માં કામ કરતા હતા ત્યારે એકબીજાની નજીક આવ્યાં હતાં. ત્યાર બાદ બંને વચ્ચે નિકટતા સ્થપાઈ હતી. ‘તનુ વેડ્સ મનુ’ ઉપરાંત સ્વરા અને હિમાંશુએ બીજી બે ફિલ્મ ‘તનુ વેડ્સ મનુ રિટર્ન્સ’ અને ‘રાંઝણા’માં પણ સાથે કામ કર્યું હતું.

આનંદ એલ. રાયની મોટાભાગની ફિલ્મો હિમાંશુ શર્માએ લખી છે. 2016માં આવેલી સ્વરા ભાસ્કરની ફિલ્મ ‘નીલ બટ્ટે સન્નાટા’નો ક્રિએટીવ પ્રોડ્યુસર પણ હિમાંશુ હતો. હજી ગયા વર્ષે જ ‘વીરે દી વેડિંગ’ ફિલ્મ રિલીઝ થયા બાદ હિમાંશુ અને સ્વરા યુરોપમાં વેકેશન માટે ગયાં હતાં.



સ્વરા અને હિમાંશુએ પેરિસમાં એફીલ ટાવરની સામે સેલ્ફી પણ લીધી હતી. લખનૌમાં સ્વરાના ભાઈના લગ્નમાં પણ હિમાંશુએ હાજરી આપી હતી. એ પછી જાહેરમાં સાથે દેખાવવાનું બંને ટાળતા હતાં. હવે વાત બહાર આવી છે કે, બંનેએ સંમતિથી રિલેશનશીપ પર પૂર્ણવિરામ મૂકી દીધું છે.