નવી દિલ્હીઃ લોકડાઉન બાદ હવે ટીવી સીરિયલ્સના શૂટિંગ કેટલીક શરતોને સાથે શરૂ કરવાની મંજૂરી મળી ગઈ છે. જોકે, મહારાષ્ટ્ર સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલ ગાઇડલાઇન્સ અનુસાર બાળકો અને વૃદ્ધ એક્ટર્સને શૂટિંગ કરવાની મંજૂરી નહીં મળે. સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલ ગાઈડલાઈન્સને લઈને જાણીતી ટીવી શો તારક મેહતા કા ઉલ્ટા ચશ્મામાં નટ્ટૂ કાકાની લોકપ્રિય ભૂમિકા ભજવનાર એક્ટર ઘનશ્યામ નાયકે સ્પોટબોય સાથે વાતચીત કરી. ઘનશ્યામ નાયકે કહ્યું કે જો હું એક્ટિંગ નહીં કરું તો હું મરી પણ શકુ છું.

ઘનશ્યામ નાયકે સ્પોટબોયને આપેલ ઇન્ટરવ્યૂમાં કહ્યું કે, હું શૂટ કરવા માટે સક્ષમ છું અને સ્વસ્થ્ય છું. હાલમાં નિર્માતાઓ દ્વારા મને કંઈપણ કહેવામાં આવ્યું નથી, માટે હું તેનો ભાગ રહીશ. જ્યારથી એ અહેવાલ આવ્યા છે કે સરકારી નિયમોને કારણે હું શો માટે શૂટિંગ નથી કરી શકતો. મારા ફેન્સ અને શુભચિંતકો તરફથી ઘણાં મેસેજ આવ્યા છે કે શો તમારા વગર અધૂરો રહેશે. નટ્ટૂ કાકાને ‘તારક મેહતા’માં હોવું જોઈએ.

ઘનશ્યામ નાયકે આગળ કહ્યું કે, હું એક્ટિંગ નહીં કરું તો મરી પણ શકુ છું. એક કલાકાર તરીકે હું મારા અંતિમ દિવસોમાં પણ કામ કરવા ઇચ્છું છું. ભવગાવનની કૃપાને કારણે હું આમ કરવા માટે સક્ષમ છું. મારી આસપાસ એક મોટો ખુશ પરિવાર છે. પરંતુ શૂટિંગ ન કરવાનો વિચાર મને નિરાશા અપાવે છે. 75 વર્ષની ઉંમરમાં પણ હું કામ કરવા માટે સ્વસ્થ્ય છું. જો તેઓ મને આવતીકાલ માટે સમય આપે તો હું સેટ પર રોલ કરવા માટે સમય પર પહોંચી જઈશ.

જણાવીએ કે, ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ એક લોકપ્રિય પારિવારિક ટીવી શો છે, જે સબ ટીવી પર પ્રસારિત થાય છે. આ સો લાંબા સમયથી લોકોના ચહેરા પર સ્માઈલ લાવવાનું કામ કરી રહ્યો છે.