સુરતઃ સમગ્ર રાજ્ય કોરોનાના ભરડામાં છે ત્યારે હવે સુરતવાસીઓ માટે કોરોનાને લઈને ચિંતાના સમાચાર સામે આવ્યા છે. અનલોક 1.0ની જાહેરાત કર્યા બાદ રાજ્યમાં કોરોનાના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. તેમાં પણ સુરતમાં કોરોનાના કેસનો રાફડો ફાટ્યો છે. સુરતમાં કોરોનાના કેસ એટલા વધી ગયા કે હવે નવી સિવિલ હોસ્પિટલ કોરોનાના દર્દીથી ભરાઈ ગઈ છે.


મળતી માહિતી મુજબ સુરતમાં નવી સિવિલ હોસ્પિટલ જેને કોવિડ-19 હોસ્પિટલમાં ફેરવવામાં આવી હતી તે કોરોનાના દર્દીથી ભરાઈ ગઈ છે એટલે કે ફુલ થઈ જવાથી હવે ત્યાં કોરોનાના વધારે દર્દીને સમાવી શકાય તેમ નથી.

નવી સિવિલ ફુલ થઈ જતા પાલિકાએ હવે સ્મીમેર હોસ્પિટલમાં કોરોનાના દર્દીને દાખલ કરવાનો નિર્ણય કર્યો છે. નોંધનીય છે કે, છેલ્લા 10 દિવસથી સુરતમાં સતત કોરોનાના કેસમાં વધારો જોવા મળ્યો છે.

આગામી દિવસોમાં પણ કોરોના કેસમાં ઉછાળો જળવાઈ રહે તેવી શક્યતાને પગલે મહાનગરપાલિકાએ સ્મીમેર હોસ્પિટલને તૈયાર કરી છે. હવેથી કોરોનાના નવા દર્દીઓને સ્મીમેર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવશે.

સુરત જિલ્લામાં હાલમાં 713 કોરોનાના એક્ટિવ કેસ છે. જ્યારે 1638 લોકો ડિસ્ચાર્જ થઈને ઘરે ગયા છે. સુરતમાં અત્યાર સુધીમાં 93 લોકોએ કોરોનાને કારણે જીવ ગુમાવ્યો છે. જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ3 36496 ટેસ્ટ કરવામાં આવ્યા છે. જ્યારે જિલ્લામાં કુલ 10181 કોરેન્ટાઈન હેઠળ છે.