નવી દિલ્હીઃ તારક મેહતા કા ઉલ્ટા ચશ્માની ફેમસ કેરેક્ટર દયાબેનને લઈને અહેવાલ છે કે શોના નિર્માતાએ તેને અલ્ટીમેટન આપ્યું હતું કે તેને શોમાં ઝડપથી પરત ફરવું જોઈએ નહીં તો તેને રિપ્લેસ કરવામાં આવશે. જોકે દિશા વાકાણી આ અંગે મૌન સાધીને બેઠી છે ત્યારે અટકળોનું બજાર ગરમ છે.
મીડિયા અહેવાલ અનુસાર દિશા વાકાણી હવે સીરિયલમાં નહીં જ જોવા મળે. સૂત્રો દ્વારા મળેલી જાણકારી અનુસાર દિશા વાકાણીને 30 દિવસનું અલ્ટીમેટમ આપ્યું હોવાના અહેવાલો ખોટા છે. હાલમાં દિશા કે પ્રોડક્શન હાઉસ બંનેમાંથી કોઈપણ નોટિસ પાઠવી શકે તેવી સ્થિતિમાં નથી. તેમ છતાં મેકર્સે તાત્કાલીક નિર્ણય લેવા માટે કહ્યું છે અને હવે દિશા શોમાં પરત આવે તેવી શક્યતા નહિવત્ છે.
એક અખબાર સાથેની વાતચીતમાં પ્રોડ્યુસર આસિત કુમાર મોદીએ કહ્યું, “દયાનું પાત્ર સીરિયલમાં મહત્વનું છે. અને આટલા લાંબા સમય સુધી શોથી દૂર રહેવું હવે યોગ્ય નથી લાગતું. દયાના પાત્રને લોકોએ ભરપૂર પ્રેમ આપ્યો છે અને લાંબા સમયથી તેની રાહ જોઈને બેઠા છે.”
આસિત મોદીએ વધુમાં કહ્યું, “જ્યાં સુધી દિશાની વાત છે અમે તેને દરેક બાબતે સપોર્ટ કર્યો છે. તેની અંગત જિંદગી પર ધ્યાન કેંદ્રિત કરવા અમે પૂરતો સમય આપ્યો છે. લગભગ દોઢ વર્ષથી દિશા રજા પર છે. ત્યારે અમે ક્યાં સુધી રાહ જોઈને બેસી રહીશું? જો તે આવવા માગતી હોય તો તેનું સ્વાગત છે પરંતુ હવે અમારે નિર્ણય લેવો જ પડશે.”