મુંબઈ: ટેલિવિઝન અભિનેત્રી પ્રિયા આહુજા રાજદાએ ઘણી સીરિયલમાં કામ કર્યું છે. પરંતુ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ સીરિયલની રિટા રિપોર્ટર તરીકે તેને લોકો વધારે ઓળખે છે. થોડા સમય પહેલાં જ સીરિયલમાં જોવા મળેલી પ્રિયા હાલ તો સાતમા આસમાને છે. પ્રિયા જલદી જ માતા બનવાની છે પછી ખુશ કેમ ના હોય. પ્રિયાએ ‘તારક મહેતા…’ના ગુજરાતી ડિરેક્ટર માલવ રાજદા સાથે લગ્ન કર્યાં છે. માલવ અને પ્રિયા પહેલા બાળકના આગમનને લઈને ખૂબ ઉત્સાહિત છે.

જન્માષ્ટમીના દિવસે જ પ્રિયા અને માલવે ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ મૂકીને આ સમાચાર આપ્યા હતાં. પતિ સાથે માલદીવમાં વેકેશન માણી રહેલી પ્રિયાએ વેકેશનના ક્યૂટ ફોટોગ્રાફ્સ પોસ્ટ કરીને ચાહકોને આ ખુશખબર આપી હતી.

પ્રિયાએ ખુશી વ્યક્ત કરતાં ઈન્સ્ટાગ્રામ પર લખ્યું હતું કે, 10 નાની આંગળીઓ 10 નાના અંગૂઠા, પ્રેમ અને ઈશ્વરકૃપાથી અમારો પરિવાર મોટો થવા જઈ રહ્યો છે. અમારી ખુશી શેર કરવા માટે આનાથી વધારે સારો દિવસ કયો હોઈ શકે. હેપ્પી જન્માષ્ટમી. પ્રિયાએ આ પોસ્ટ મૂકતાં જ શુભેચ્છાઓનો વરસાદ થવા લાગ્યો હતો.

પ્રિયાનો પતિ માલવે પણ આ જ કેપ્શન સાથે તસવીરો શેર કરી છે. જેમાં પ્રિયા બેબી બંપ ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે. પ્રિયાના હાથમાં નાનકડાં શૂઝ પણ જોઈ શકો છો.

ઉલ્લેખનીય છે કે, માલવ રાજદા ‘તારક મહેતા…’નો મુખ્ય ડિરેક્ટર છે. પ્રિયા અને માલવની મુલાકાત આ સીરિયલના સેટ પર જ થઈ હતી. ત્યાર બાદ બંને પ્રેમમાં પડ્યા હતાં અને 19 નવેમ્બર 2011ના રોજ લગ્ન કર્યાં હતાં. હવે લગ્નના 8 વર્ષ બાદ કપલ પહેલા સંતાનને આવકારવા માટે ઉત્સાહિત છે.