નવી દિલ્હીઃ તમિલની જાણીતી એક્ટ્રેસ જયશ્રીએ ઉંઘની ગોળીનો ઓવર ડોઝ લઈને આત્મહત્યા કરવાની કોશિશ કરી છે. જયશ્રીની આત્મહત્યાના સમાચાર સમગ્ર તમિલ ટીવી ઉદ્યોગમાં ફેલાઈ ગયા છે અને બધા જાણવા માગે છે કે તેણે આવું પગલું શા માટે ભર્યું.

આત્મહત્યા કરતા પહેલા જયશ્રીએ એક ઓડિયો ક્લિપ રેકોર્ડ કરી હતી. જે હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. આ ક્લિપમાં જયશ્રીએ પોતાના મિત્રોને ગુડબાય કહી રહી છે સાથે જ તે એવી પરિસ્થિતિઓમાં સાથ છોડવા માટે પોતાના મિત્રોનો આભાર પણ વ્યક્ત કરી રહી છે.



ઓડિયો ક્લિપ પરથી સ્પષ્ટ સંકેત મળી રહ્યા છે કે, જયશ્રી ઘણા સમયથી કોઈ વાતને લઈ ડિપ્રેશનમાં હતી. આ પહેલા તેણે એક ઇન્ટરવ્યૂમાં પતિ ઈશ્વરના બીજી અભિનેત્રી મહાલક્ષ્મી સાથે અફેરના આરોપ પણ લગાવ્યા હતા.

જ્યારે મામલો પોલીસ પાસે પહોંચ્યો ત્યારે જયશ્રીએ પતિ પર આરોપ લગાવ્યો કે, તે દીકરી સાથે જબરદસ્તી કરી રહ્યો છે. જેના કારણે જયશ્રીના પતિ ઈશ્વરની પોલીસે ધરપકડ કરી લીધી હતી. હવે ઈશ્વર તો જામીન પર છૂટી ગયો છે.

જયશ્રીનો આરોપ હતો કે, ઈશ્વર તેની દીકરીનું જાતીય શોષણ કરતો હતો અને મારપીટ પણ કરતો હતો. એ સાથે જ અભિનેત્રીએ લાખો રૂપિયા પડાવી લેવાનો આરોપ પણ ઈશ્વર પર લગાવ્યો હતો. તો બીજી તરફ ઈશ્વરે આ બધા આરોપોને પાયા વિહોણા ગણાવી કહ્યું હતું કે, જયશ્રી પૈસા પડાવવા માટે ખોટા આરોપો લગાવી રહી છે. ઉલ્લેખનીય છે કે, હાલમાં જયશ્રી હોસ્પિટલમાં દાખલ છે અને હાલત ગંભીર છે.