નવી દિલ્હી: બૉલિવૂડ સ્ટાર સલમાન ખાનના ઘરે બોમ્બ હોવાના ફેક મેઈલથી મુંબઈ પોલીસ દોડતી થઈ હતી. 16 વર્ષના યુવકે પોલીસને ફેક મેઈલ મોકલ્યો હતો. જેમાં દાવો કર્યો હતો કે સલમાન ખાનના ઘર ગેલેક્સી એપોર્ટમેન્ટમાં બોમ્બ લગાવવામાં આવ્યો છે જે આગામી બે કલાકમાં બ્લાસ્ટ થશે. રોકી શકો તો તેને રોકી લો.

આ ફેક મેઈલ મોકલનારને બાંદ્રા પોલીસે ધરપકડ કરી હતી. યુવક ઉત્તર પ્રદેશના ગાજિયાબાદનો રહેવાસી છે. આ મેઇલ 4 ડિસેમ્બરે મુંબઈ પોલીસને મોકલવામાં આવ્યો હતો. મેઈલ આવતાની સાથે જ પોલીસ અધિકારીઓ બોમ્બ ડિટેક્શન અને ડિસ્પોઝલ સ્કવોડ (બીડીડીએસ)ની ટીમ સાથે સલમાનના ઘરે પહોંચ્યા હતા. પોલીસ ટીમ જ્યારે સલમાન ખાનના ઘરે પહોંચી ત્યારે તે સમયે સલમાન તેના ઘરે ન હતો.

અપાર્ટમેન્ટમાંથી સલમાનના પિતા સલીમ ખાન, સલમા ખાન અને તેની બહેન અર્પિતાને સુરક્ષિત બહાર કાઢ્યા બાદ બીડીડીએસ ટીમ અને પોલીસ અધિકારીએ એપાર્ટમેન્ટની 4 કલાક સુધી તપાસ કરી હતી. જો કે કોઈ શંકાસ્પદ વસ્તું ન મળતા પોલીસે અને સલમાનના પરિવારે રાહતનો શ્વાસ લીધો હતો.