Vaibhavi Upadhyaya Accident Update: 'સારાભાઈ વર્સીસ સારાભાઈ' ગુજરાતી અભિનેત્રી વૈભવી ઉપાધ્યાયે 23 મેના રોજ માર્ગ અકસ્માતમાં જીવ ગુમાવ્યો હતો. ખૂબ જ નાની વયે આ દુનિયા છોડી દેવાના કારણે તેમના પરિવારજનો અને મિત્રોમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. વૈભવી તેની ફોર્ચ્યુનર કારમાં તેના મંગેતર સાથે હિમાચલ પ્રદેશની તીર્થન ઘાટીની મુલાકાતે જઈ રહી હતી. તે જ સમયે બંજાર નજીક સિધવા ખાતે તેણે પોતાના વાહન પરનો કાબૂ ગુમાવ્યો અને વાહન 50 ફૂટ ઊંડી ખાડીમાં ખાબક્યું અને વૈભવીનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. 


હવે આ અકસ્માતને લઈને કેટલીક ચોંકાવનારી વિગતો સામે આવી રહી છે. કુલ્લુના એસપી સાક્ષી વર્માએ પીટીઆઈને એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, વૈભવી કારની બારીમાંથી બહાર નીકળવાનો પ્રયાસ કરી રહી હતી, પરંતુ તે તેમ કરી શકી નહીં અને તેનું ઘટનાસ્થળે જ મોત થઈ ગયું. એસપીએ પોતાના નિવેદનમાં કહ્યું હતું કે, વૈભવી કારની બારીમાંથી બહાર નીકળવા માંગતી હતી. આ માટે તેને ભારે મથામણ પણ કરી હતી પરંતુ તેને માથામાં ઈજા થઈ, જે જીવલેણ સાબિત થઈ. આ ગુજરાતી અભિનેત્રીને બંજરની સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી હતી.


પોલીસે એમ પણ કહ્યું હતું કે, વાહન વધુ ઝડપે હંકારવામાં આવી રહ્યું હતું અને તેના કારણે જ અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં વૈભવીનું મોત થયું હતું, પરંતુ તેના મંગેતર જય સુરેશ ગાંધીનો જીવ બચી ગયો હતો. તેને માત્ર સામાન્ય ઈજાઓ થઈ છે. પોલીસ હાલ ઘટનાની તપાસ કરી રહી છે.


વૈભવી ટીવી ઈન્ડસ્ટ્રીનો જાણીતો ચહેરો હતો. 'સારાભાઈ વર્સીસ સારાભાઈ' ઉપરાંત તેણે 'CI'D', 'અડતાલ', 'ક્યા કસૂર હૈ અમલા' જેવા શો પણ કર્યા. ટીવી શો સિવાય વૈભવીએ દીપિકા પાદુકોણની ફિલ્મ 'છપાક'માં પણ કામ કર્યું હતું. 


Vaibhavi Upadhyay Death: Sarabhai Vs Sarabhai' ની એક્ટ્રેસ વૈભવી ઉપાધ્યાયનું કાર અકસ્માતમાં નિધન


Vaibhavi Upadhyay Passes Away: લોકપ્રિય ટીવી સીરિઝ 'સારાભાઈ વર્સીસ સારાભાઈ'માં જૈસ્મિનની ભૂમિકા ભજવનાર જાણીતી ટીવી અભિનેત્રી વૈભવી ઉપાધ્યાયનું મંગળવારે હિમાચલ પ્રદેશમાં એક કાર અકસ્માતમાં અવસાન થયું હતું. વૈભવી 32 વર્ષની હતી. અભિનેત્રીના મૃતદેહને મુંબઈ લાવવામાં આવશે. બુધવારે સવારે 11 વાગ્યે વૈભવીના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.


જેડી મજેઠિયાએ વૈભવીના મૃત્યુની પુષ્ટી કરી


વૈભવીના મૃત્યુની પુષ્ટી અભિનેતા-નિર્માતા જેડી મજેઠિયાએ કરી હતી. જેડીએ વૈભવી સાથે ‘સારાભાઈ ટેક 2’ માં કામ કર્યું હતું. જેડી મજેઠિયાએ પોતાના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર લખ્યું હતું કે “જીવન ખૂબ જ અણધાર્યું છે. એક ખૂબ જ સારી અભિનેત્રી, પ્રિય મિત્ર વૈભવી ઉપાધ્યાયનું અવસાન થયું. વૈભવી ‘સારાભાઈ વર્સીસ સારાભાઈ’ની "જૈસ્મિન" તરીકે જાણીતી છે. તેને નોર્થમા અકસ્માત નડ્યો હતો. પરિવાર તેમને અંતિમ દર્શન માટે આવતીકાલે સવારે 11 વાગ્યે મુંબઈ લાવશે.