Entertainment News: લોકપ્રિય ટીવી શો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં (Taarak Mehta Ka Ooltah Chashmah) રોશન સિંહ સોઢીની ભૂમિકા ભજવવા માટે પ્રખ્યાત ગુરચરણ સિંહ (Gurucharan Singh)  22 એપ્રિલથી ગાયબ હતા. શુક્રવારે ઘરે પરત ફર્યા હતા. ઘણા દિવસો સુધી ગુમ થયા બાદ અભિનેતા પોતે આજે ઘરે પરત ફર્યો છે. પરિવારજનોએ દિલ્હીમાં તેના ગુમ થવા અંગે એફઆઈઆર નોંધાવી હતી. પરત ફરતાં પોલીસે સોઢીની પૂછપરછ કરી હતી.


દિલ્હી પોલીસે અપહરણનો કેસ નોંધ્યો હતો અને અભિનેતાને શોધવા માટે તપાસ ચાલી રહી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, ગુરુચરણે પૂછપરછ દરમિયાન અધિકારીઓને કહ્યું કે તે પોતાનું સાંસારિક જીવન છોડીને ધાર્મિક યાત્રા પર હતો. પોલીસે જણાવ્યું કે છેલ્લા કેટલાક દિવસોમાં તે અમૃતસર અને લુધિયાણા જેવા અનેક શહેરોમાં ગુરુદ્વારામાં રોકાયો હતો, પરંતુ બાદમાં તેને ખ્યાલ આવ્યો કે તેણે ઘરે પરત ફરવું જોઈએ.




22 એપ્રિલે અભિનેતા દિલ્હીથી મુંબઈની ફ્લાઈટમાં બેસવાનો હતો. જોકે, તે ફ્લાઈટમાં ચઢ્યો ન હતો અને ગુમ થઈ ગયો હતો. તેનો ફોન નંબર 24 એપ્રિલ સુધી સક્રિય હતો, જેના દ્વારા અનેક વ્યવહારો થયા હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. જે દિવસથી તે ગુમ થયો તે દિવસના સીસીટીવી ફૂટેજમાં અભિનેતા પીઠ પર બેગ લઈને ચાલતો જોવા મળે છે.


તેના પિતા હરજીત સિંહે 26 એપ્રિલે ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. ભારતીય દંડ સંહિતા (IPC)ની કલમ 365 હેઠળ એફઆઈઆર નોંધવામાં આવી હતી. તપાસ દરમિયાન એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે સિંહની આર્થિક સ્થિતિ સારી નથી, કારણ કે તેમની પાસે ઘણી લોન અને બાકી લેણાં હતાં.  સીસીટીવી ફૂટેજના આધારે તેનું છેલ્લું લોકેશન દક્ષિણ-પશ્ચિમ દિલ્હીના ડાબરીમાં ટ્રેસ થયું હતું, જ્યાં તે આઈજીઆઈ એરપોર્ટ નજીક ભાડે લીધેલી ઈ-રિક્ષામાં પહોંચ્યો હતો.


ગુરુચરણ આર્થિક સંકટ સામે ઝઝૂમી રહ્યા હતા


પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું હતું કે ગુરુચરણ ટૂંક સમયમાં લગ્ન કરવાના હતા. એટલું જ નહીં તે આર્થિક સંકટનો પણ સામનો કરી રહ્યો હતો. પોલીસે જણાવ્યું કે ગુરુચરણે 22 એપ્રિલના રોજ એટીએમમાંથી 7,000 રૂપિયા ઉપાડી લીધા હતા, ત્યારપછી તેનો ફોન સ્વીચ ઓફ થઈ ગયો હતો. તેનું છેલ્લું લોકેશન દિલ્હીના પાલમમાં તેના ઘરથી થોડાક કિલોમીટર દૂર મળી આવ્યું હતું.


નિર્માતા સાથે વિવાદ બાદ શો છોડી દીધો


ગુરુચરણ સિંહ તેની શરૂઆતથી 2013 સુધી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'નો ભાગ રહ્યા હતા. બાદમાં નિર્માતા અસિત મોદી સાથેના કેટલાક વિવાદને કારણે તેણે શો છોડી દીધો હતો. જો કે, ત્યાં સુધીમાં તે એટલો પોપ્યુલર થઈ ગયો હતો કે લોકોની માંગ પર નિર્માતાઓએ તેને શોમાં પાછો લાવવો પડ્યો. પુનરાગમન કર્યા પછી, તેણે 6 વર્ષ સુધી આ શો કર્યો.