નવી દિલ્હીઃ ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઇન્ડિયા સિને એમ્પલોયઝ પોતાના તમામ પાંચ લાખથી વધુ સભ્યોની સુરક્ષાને ધ્યાનમાં રાખતા ભારતમાં ઝડપથી ફેલાઇ રહેલા કોરોના વાયરસથી બચવા માટે થોડા દિવસો માટે તમામ ફિલ્મો અને ટેલિવિઝન શોનું શૂટિંગ બંધ કરી દેવા પર વિચાર કરી રહી છે. ફેડરેશને આ માટે પ્રોડ્યુસર બોડી સાથે વાતચીત કરી રહી રહ્યું છે અને જલદી તેના પર અંતિમ નિર્ણય લેવામાં આવશે.
ફેડરેશનના પ્રેસિડેન્ટ શ્રી બી.એન તિવારીએ ઓલ ઇન્ડિયા ફિલ્મ એમ્પ્લાઇઝ ફેડરેશનના નેશનલ પ્રેસિડેન્ટ અને ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઇન્ડિયા સિને એમ્પલોયઝના જનરલ સેક્રેટરી અશોક દુબે અને ટ્રેજરાર ગંગેશ્વરલાલ શ્રીવાસ્તવને એક પત્ર લખીને નિર્માતાઓને કહ્યું છે કે નિર્માતા એ દેશોમાં પોતાનું શૂટિંગ ના કરે જે દેશમાં કોરોના વાયરસનો કહેર વધુ છે.
જો ત્યાં શૂટિંગ ચાલી રહ્યું હોય તો નિર્માતાઓને આગ્રહ છે કે પોતાના યૂનિટના તમામ સભ્યોને મેડિકલ પરીક્ષણ બાદ જલદી પાછા બોલાવી લે. ફેડરેશનના પદાધિકારીઓએ કહ્યુ કે, અમે તમામ મેમ્બર્સની સુરક્ષા ઇચ્છીએ છીએ. અમે નિર્માતાઓને આગ્રહ કરીએ છીએ કે નિર્માતા કોરોના વાયરસથી બચવા માટે શૂટિંગ લોકેશન પર ઉપાયો કરે અને તમામ શૂટિંગ સ્થળો પર સેનિટાઇઝર અને માસ્કની વ્યવસ્થા કરે તથા સાફ-સફાઇ પર ધ્યાન આપે.