Tv Actress Molested in Holi Party: ઘણીવાર હોળીના બહાને મહિલાઓ સાથે દુર્વ્યવહારના બનાવો નોંધાય છે. હોળી પછી ઘણા કિસ્સાઓ બહાર આવે છે. વળી, આશ્ચર્યજનક છે કે એક ટીવી અભિનેત્રીએ એક અભિનેતા પર હોળી પર રંગ લગાવવાના બહાને તેની સાથે છેડતી કરવાનો આરોપ લગાવ્યો છે. અભિનેત્રીએ આ મામલે પોલીસમાં ફરિયાદ પણ નોંધાવી છે. જોકે, ફરિયાદ કરનારી અભિનેત્રીની ઓળખ જાહેર કરવામાં આવી નથી અને ન તો તે જાણી શકાયું છે કે તેણે કયા અભિનેતા વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ કરી છે.
હોળી પાર્ટીમાં ટીવી એક્ટ્રેસની સાથે થઇ છેડતી
ફ્રી પ્રેસ જર્નલના એક અહેવાલ મુજબ, 29 વર્ષીય ટીવી અભિનેત્રીએ દાવો કર્યો છે કે 14 માર્ચે મુંબઈના પશ્ચિમ ઉપનગરોમાં હોળી પાર્ટી દરમિયાન, તેના સહ-અભિનેતાએ દારૂના નશામાં તેના પર રંગ લગાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ તેણીએ તેના સહ-અભિનેતા સાથે હોળી રમવાની ના પાડી દીધી. આના પર અભિનેતાએ તેના પર બળજબરી કરવાનો પ્રયાસ કર્યો.
એક્ટ્રેસે કરી પોલીસ ફરિયાદ, જાણો શું કહ્યું ?
પોલીસને આપેલા નિવેદનમાં ફરિયાદી અભિનેત્રીએ કહ્યું, “નશાની હાલતમાં, સહ-અભિનેતાએ મારા પર અને પાર્ટીમાં હાજર મહિલાઓ પર રંગ લગાવવાનો પ્રયાસ કર્યો. મેં ના પાડી તો તે ત્યાંથી ચાલ્યો ગયો. હું પાણીપુરીના સ્ટૉલ પાછળ છુપાઈ ગઇ, પણ તેણે મને શોધી કાઢી અને ત્યાં મારા પર રંગ લગાવવાનો પ્રયાસ કર્યો. મેં મારા હાથથી મારો ચહેરો ઢાંક્યો હતો પણ તેણે મને બળપૂર્વક પકડી રાખી, અને મારા ચહેરા પર રંગ લગાવી દીધો. આ પછી તેણે મને કહ્યું કે હું તને પ્રેમ કરું છું અને કહ્યું કે હું જોઈશ કે તને મારાથી કોણ બચાવે છે. તે પછી તેણે મને અયોગ્ય રીતે સ્પર્શ કર્યો, અડપલાં કર્યા. મેં તરત જ તેને ધક્કો મારીને દૂર કર્યો અને વૉશરૂમ તરફ દોડી ગઇ. પણ તેના કાર્યોથી મને ખૂબ જ તકલીફ પડી છે."
પોલીસે કેસ નોંધ્યો
પોલીસે અભિનેત્રીની ફરિયાદ પર કેસ નોંધ્યો છે. આ મામલે પોલીસે જણાવ્યું હતું કે આરોપી અભિનેતાને કાનૂની નોટિસ મોકલવામાં આવી છે અને તેની સાથે હોળી પાર્ટીમાં હાજર બાકીના મહેમાનોની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે. પોલીસ હવે હોળી પાર્ટીના સીસીટીવી ફૂટેજ પણ ચકાસી રહી છે.