Tunisha Sharma Death: ટીવી અભિનેત્રી તુનિષા શર્માની આત્મહત્યા બાદનો તરત જ નો એક વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે, તેનો કો-સ્ટાર શીજાન ખાન એક્ટ્રેસને હોસ્પિટલમાં લઈ ગયો હતો. તુનિષા શર્માની આત્મહત્યા બાદનો વીડિયો એબીપી ન્યૂઝ પાસે એક્સક્લુઝિવલી ઉપલબ્ધ છે. જેમાં શીજાન તુનીષા સાથે હોસ્પિટલ પહોંચતો જોવા મળે છે.


ઉલ્લેખનીય કે અભિનેત્રીના મૃત્યુ બાદ તેની માતાએ તેના બોયફ્રેન્ડ શીજાન ખાન પર ગંભીર આરોપ લગાવ્યા હતા. ત્યાર બાદ પોલીસે રવિવારે શીજાન ખાનની ધરપકડ કરી હતી અને તેને કોર્ટમાં રજૂ કરી ચાર દિવસના રિમાન્ડ પર લીધો હતો. બીજી તરફ આગલા દિવસે શીજાનને પૂછપરછ દરમિયાન અનેક ચોંકાવનારી બાબતો પોલીસને જણાવી હતી. હાસ પોલીસ શીજાન ખાનની પૂછપરછ કરી રહી છે.


અભિનેત્રીના આજે ભગવાનદેવ સ્મશાન ભૂમિમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતાં. જે તેની બિલ્ડીંગથી માત્ર એક કિલોમીટર દૂર છે. તુનિષા શર્માના મૃતદેહને લેવા તેનો પરિવાર હોસ્પિટલ પહોંચ્યો હતો, જ્યારે અભિનેતા વિશાલ જેઠવા અને અભિનેતા શિવિન નારંગ તુનિષાના ઘરે હાજર રહ્યાં હતા.


તુનિષાની અંતિમ ક્ષણોનો વીડિયો સામે આવતાની સાથે જ તે ગણતરીની જ મિનિટોમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો હતો. આ વીડિયોમાં બે લોકો તુનિષાને પકડી રાખે છે અને આ બે લોકોની પાછળ શીજાન પણ જોવા મળે છે. વીડિયોમાં તે ત્રણેય સફેદ રંગની કારમાંથી નીચે ઉતરતા અને તુનિષાને સીડી પરથી ઉતાવળમાં હોસ્પિટલની અંદર લઈ જતા જોવા મળ્યા હતા.






બોયફ્રેન્ડના મેકઅપ રૂમમાં ફાંસી


મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તુનિષા શર્માએ બોયફ્રેન્ડ શીજાનના મેક-અપ રૂમમાં ફાંસી લગાવી લીધી હતી. તે સમયે શીજાન તેના શોટ માટે મેક-અપ રૂમની બહાર ગયો હતો. પાછા આવ્યા બાદ તેણે ઘણી વાર ફોન કર્યો હતો પરંતુ કોઈ જવાબ ન મળતાં શીજાને દરવાજો તોડ્યો અને અભિનેત્રીનો મૃતદેહ લટકતો જોઈ ચોંકી ગયો હતો. ત્યાર બાદ તે સેટ પર હાજર અન્ય લોકોની મદદથી તુનિષાને તત્કાળ અર્થે હોસ્પિટલ લઈ ગયો હતો. 


ટીવી એક્ટ્રેસ તુનીષા શર્માએ શનિવારે તેના શો 'અલી બાબાઃ દાસ્તાન-એ-કાબુલ'ના સેટ પર મેક-અપ રૂમમાં ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી હતી. બીજી બાજુ સ્વર્ગસ્થ તુનિષા શર્માના પરિવારે એક નિવેદન જારી કરીને તેના ચાહકો, અનુયાયીઓ અને શુભેચ્છકોને જાણ કરી હતી કે અભિનેત્રીના અંતિમ સંસ્કાર મંગળવારે કરવામાં આવશે.


તુનિષાના પરિવારે એક નિવેદન જાહેર કર્યું


સોમવારે મોડી સાંજે તુનીશાના પરિવારે એક નિવેદન બહાર પાડ્યું હતું. તેમાં લખ્યું હતું, “અમારી પ્રિય તુનિષા શર્મા, ખૂબ જ દુખ સાથે, અમે તમને જણાવીએ છીએ કે 24 ડિસેમ્બર 2022ના રોજ તુનિષા શર્મા અમને કાયમ માટે છોડીને ચાલ્યા ગયા. અમે ઈચ્છીએ છીએ કે દરેક વ્યક્તિ આવે અને મૃત આત્માને અંતિમ શ્રદ્ધાંજલિ આપે."