Tunisha Sharma Suicide Case : તુનિષા શર્મા આત્મહત્યા કેસના આરોપી શિજાન ખાનની જામીન અરજી પર વસાઈ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. તુનિષાના વકીલ અને સરકારી વકીલે સમય માંગ્યો છે, જેના કારણે કેસની સુનાવણી 11 જાન્યુઆરી સુધી ટાળી દેવામાં આવી છે. શીઝાન ખાનના વકીલ શૈલેન્દ્ર મિશ્રાની દલીલ શૈલેન્દ્ર મિશ્રાએ આજે ​​કોર્ટ સમક્ષ તુનિષાની માતા વનિતા શર્મા દ્વારા આપવામાં આવેલ નિવેદન અને એફઆઈઆરની નકલ વાંચી સંભળાવી હતી અને તુનિષા પર ગંભીર આરોપ લગાવ્યો હતો.


શીઝાનના વકીલ શૈલેન્દ્ર મિશ્રાએ કોર્ટમાં ખુલાસો કર્યો હતો કે, તુનિષા શર્મા બ્રેકઅપ બાદ સામાન્ય જીવન જીવી રહી હતી અને શીઝાન સાથેના તેના સંબંધોથી આગળ વધી ગઈ હતી. તેણે ડેટિંગ એપ ટિન્ડર પર એકાઉન્ટ પણ બનાવ્યું હતું અને તે અલી નામના વ્યક્તિના સંપર્કમાં હતી. તે અલી નામના વ્યક્તિના સંપર્કમાં હતી એટલું જ નહીં, તે 21 ડિસેમ્બર, 22 ડિસેમ્બર અને 23 ડિસેમ્બરની મોડી સાંજે પણ અલી સાથે સમય પસાર કરતી હતી. અલી અને તુનિષા બંને એક કેક શોપમાં પણ ગયા હતા અને હુક્કા પાર્લરમાં 3 કલાક પણ વિતાવ્યા હતા. વકીલના દાવા પ્રમાણે તુનિષાએ પોતે આ વાતો તેના મૃત્યુ પહેલા શીઝાનને કહી હતી.


વકીલે કહ્યું હતું કે, તુનિષાએ અલીના ફોનનો ઉપયોગ કરીને તેની માતા વનિતા શર્માને પણ ફોન કર્યો હતો. જે પ્રકારનો દાવો કરવામાં આવી રહ્યો છે કે તુનિષા સાથે છેલ્લી વાતચીત કરનાર વ્યક્તિ શીઝાન છે, તે ખોટો છે. શીઝાન સેટ પર શૂટ કરવા ગયા બાદ તુનિષાએ અલીને વીડિયો કૉલ કર્યો હતો અને બંનેએ 15 મિનિટ સુધી વીડિયો કૉલ પર વાત પણ કરી હતી.


શીઝાનના વકીલનો દાવો છે કે, તુનિષાની આત્મહત્યાના 15 મિનિટ પહેલા તે અલી સાથે વીડિયો કોલ પર વાત કરી રહી હતી. જોકે પોલીસે તેની તપાસમાં આ વાતને ગંભીરતાથી લીધી નથી અને ધરપકડનો દુરુપયોગ અહીં સ્પષ્ટપણે દેખાઈ રહ્યો છે.


વકીલે જણાવ્યું હતું કે, પોલીસ તપાસમાં જે હિજાબની વાત કરવામાં આવી રહી છે અને એક તસવીર ટાંકવામાં આવી રહી છે તે હિજાબ પહેરેલી તસવીર સેટ પરની છે અને અભિનેતા અને અભિનેત્રી બંને ગણપતિ પૂજા કરી રહ્યાં છે. આ ઉપરાંત શેઝાન ખાને પોતે ક્યારેય કોઈ દરગાહની મુલાકાત લીધી નથી. બંનેના ફોન રેકોર્ડ, સીડીઆર પોલીસ પાસે ઉપલબ્ધ છે, પરંતુ કોલ લોકેશન પરથી જાણી શકાય છે કે બંને ક્યારેય સાથે કોઈ દરગાહમાં ગયા હતા કે નહીં.


વનિતા શર્માએ શીઝાન ખાનની માતાને એક વોટ્સએપ મેસેજ મોકલ્યો હતો જેમાં 3 દવાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. આ દવાઓ એન્ટિસાઈકોટિક દવાઓ છે જે ડૉક્ટરની સલાહ વિના આપી શકાતી નથી. આ દવાઓ વિશે વધુ માહિતી આપતાં શીઝાનના વકીલ શૈલેન્દ્ર મિશ્રાએ કહ્યું હતું કે, આ દવાની પણ ખરાબ અસર થાય છે અને જો તેને યોગ્ય માર્ગદર્શિકા હેઠળ લેવામાં ન આવે તો દર્દી આત્મહત્યા જેવું પગલું પણ ભરી બેસે છે.