નવી દિલ્હીઃ ટીવી સીરિયલની જાણીતી એક્ટ્રેસ કામ્યા પંજાબી રાજકારણમાં પ્રવેશવા જઈ રહી છે. તે કોંગ્રેસમાં સામેલ થઈ છે. તેના કોંગ્રેસમાં આગમનથી હવે પાર્ટીને ગ્લેમરનો એક નવો ચહેરો મળી ગયો છે. મુંબઈ કોંગ્રેસ અધ્યક્ષ ભાઈ જગતાપ અને ચરણ સિંહ સપરા જેવા નેતાએ પાર્ટીમાં કામ્યાનું સ્વાગત કર્યુ છે. કામ્યાએ 2003માં બંટી નેગી સાથે લગ્ન કર્યા હતા અને 2013માં છૂટાછેડા લીધા હતા. 2020માં તેણે શલભ ડાંગ સાથે લગ્ન કર્યા છે. જે દિલ્હીમાં ડોક્ટર છે.
રિયાલટી શો બિગ બોસ-7માં પોતાની હાજરીથી દર્શકોનું મનોરંજન કરનારી કામ્યા પંજાબી છેલ્લા બે દાયકા કરતાં વધારે સમયથી મનોરંજન ઉદ્યોગમાં કામ કરી રહી છે અને રાજનીતિમાં સામેલ થઈને જનતાની સેવા કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. કોંગ્રેસ કાર્યકર્તા નીરજ ભાટિય અને અન્ય નેતાએ સોશિયલ મીડિયા પર તેની પાર્ટીમાં સામેલ થવાની તસવીર શેર કરી હતી.
42 વર્ષીય કામ્યાએ બનું મે તેરી દુલ્હન, મર્યાદા-લેકિન કબ તક, શક્તિ અસ્તિતવ કે અહેસાસ કી, રેટી, અસ્તિત્વ – એક પ્રેમ કહાની, પિયા કા ઘર અને ક્યૂ હોતા હૈ પ્યાર જેવી સીરિયલોમાં કામ કર્યુ છે. આ ઉપરાંત ના તુમ જાનો ના હમ, યાદે, ફિર ભી દિલ હૈ હિન્દુસ્તાની, કોઈ મિલ ગયા જેવી બોલિવૂડ ફિલ્મોમાં કામ કર્યું છે. આ ઉપરાંત મ્યુઝિક વીડિયો તથા નાટક પઝામા પાર્ટીમાં પણ અભિનય કર્યો છે.