મુંબઈ: અભિનેતા અનુપમ ખેરની ફિલ્મ 'ધ એક્સીડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટર'નું ટ્રેલર આજે મુંબઈમાં લોન્ચ થયું હતું. ફિલ્મના ટ્રેલર પહેલા અનુપમ ખેરે પોતાના લૂકની કેટલીક ઝલક પ્રશંસકો સાથે શેર કરી હતી. ફિલ્મમાં તેઓ પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહની ભૂમિકામાં છે. ફિલ્મનું નિર્દેશન વિજય રત્નાકર ગુટ્ટેએ કર્યું છે. હંસલ મહેતા તેના ક્રિએટિવ પ્રોડ્યૂસર છે. ફિલ્મની સ્ટોરી રાજકીય છે.


લોકસભાની ચૂંટણી પહેલા ફિલ્મ આવશે જેના કારણે ચર્ચામાં છે. આ ફિલ્મમાં અનુપમ ખેરની સાથે અક્ષય ખન્ના પણ મુખ્ય ભૂમિકામાં છે. અક્ષય ખન્નાએ સંજય બારૂની ભૂમિકા નિભાવી છે. સંજય પૂર્વ પ્રધાનમંત્રીના મીડિયા સલાહકાર હતા. તેમના પુસ્તક પર આ ફિલ્મની સ્ટોરી બનાવવામાં આવી છે.

ટ્રેલર 2 મીનિટ અને 43 સેકન્ડનું છે. શરૂઆતમાં મનમોહન સિંહની ભૂમિકામાં અનુપમ ખેર જોવા મળી રહ્યા છે. આ ટ્રેલર જોઈને અંદાજ લગાવી શકાય છે કે રાહુલ ગાંધીની પાર્ટીમાં ભૂમિકા, પ્રિયંકા ગાંધી અને પ્રધાનમંત્રી તરીકે મનમોહન સિંહની તાજપોશીની પાછળની સ્ટોરી દેખાડવામાં આવશે.

ટ્રેલરને લઈને જે અટકળો ચાલી રહી હતી તે સાચી સાબિત થઈ રહી છે. ફિલ્મમાં કૉંગ્રેસની અંદરનું રાજકારણ, સોનિયા ગાંધી અને તેમના પરિવાર પર નિશાન સાધવામાં આવ્યું છે. ફિલ્મનું કન્ટેન્ટ જે રીતે છે તેને લઈને રાજકીય વિવાદ વધી શકે છે.