નવી દિલ્હીઃ 2019ની લોકસભાની ચૂંટણીમાં એનડીએને ટક્કર આપવા માટે મહાગઠબંધન બનાવવામાં લાગેલી કોગ્રેસ પાર્ટીને દક્ષિણ ભારતના પ્રવેશ દ્ધાર ગણાતા કર્ણાટકમાં ઝટકો લાગી શકે છે. કર્ણાટકમાં કોગ્રેસની સહયોગી પાર્ટી જનતા દળ સેક્યુલર (જેડીએસ)એ કહ્યું કે, ત્રણ રાજ્યોમાં યોજાયેલી ચૂંટણીમાં જીત બાદ કોગ્રેસ એકલી નિર્ણય લઇ રહી છે. સાથે સંકેત આપ્યા છે કે જો તેઓ એવું કરવાનું બંધ નહી કરે તો તે એકલી લોકસભા ચૂંટણી લડી શકે છે. જેડીએસએ બુધવારે કહ્યું કે કોગ્રેસને છોડીને એકલી જ લોકસભા ચૂંટણી લડી શકે છે. તે અગાઉ ઓગસ્ટમાં યોજાયેલી પંચાયતની ચૂંટણી એકલી જ લડી હતી.


જેડીએસના રાષ્ટ્રીય અધ્યક્ષ એચડી દેવગૌડાએ કહ્યું કે, તેમની પાર્ટીએ હજુ સુધી કોઇ નિર્ણય લીધો નથી. બીજી તરફ જેડીએસના પ્રવક્તા કહે છે કે પાર્ટીના નેતાઓનો એક મત છે કે બંન્ને પક્ષોમાં ફ્રેડલી ફાઇટ છે. ગૌડાએ કહ્યું કે, હું નથી ઇચ્છતો તે આ પ્રકારનો આરોપ મારા પર લાગે. જોકે, એ વાત પર નિર્ભર છે કે કોગ્રેસ અમારી સાથે કેટલા સન્માનથી વ્યવહાર કરે છે. બંન્ને પક્ષો વચ્ચે મતભેદનું કારણ એ છે કે રાજ્ય સરકાર દ્ધારા સંચાલિત નિગમો અને બોર્ડમાં કોગ્રેસે એક તરફી નિમણૂકની જાહેરાત કરી છે. એટલું જ નહી કોગ્રેસે પોતાની પાર્ટી કાર્યકર્તાને મુખ્યમંત્રીના રાજકીય સચિવ બનાવી દીધા છે જેનાથી જેડીએસ નારાજ છે. ગૌડાએ કહ્યું કે, મને એ વાતની કોઇ ચિંતા નથી કે અમારી પાર્ટીને બોર્ડ અને નિગમોમાં ઓછો હિસ્સો મળી રહ્યો છે. ગૌડાએ કહ્યું કે, તે કોગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સાથે મુલાકાત કરશે.