મુંબઈ: કોરોના વાયરસના વધી રહેલા ખતરાને કારણે ભારતના મોટાભાગના રાજ્યોમાં થિયેટર બંધ છે. જેની અસર રિલીઝ થયેલી ફિલ્મો પર થઈ છે. જે રાજ્યોમાં ફિલ્મો રિલીઝ થઈ રહી છે ત્યાં થિયેટરોમાં ખૂબ ઓછા લોકો આવી રહ્યા છે. કોરોના વાયરસના ડરના કારણે ફિલ્મોના શૂટિંગ પણ કેન્સલ કરવામાં આવ્યા છે. આ મોટા ફટકાના કારણે આશરે 750થી 800 કરોડ રૂપિયાનું નુકશાન થઈ શકે છે. જાણીતા ટ્રેડ એક્સપર્ટ કોમલ નાહટાએ એબીપી ન્યૂઝ સાથેની ખાસ વાતચીતમાં આ જાણકારી આપી હતી.


કોમલ નાહટાએ કહ્યું કે 750-800 કરોડ રૂપિયાના નુકશાનનું અનુમાન છે જે માત્ર 15-17 દિવસોને લઈને છે અને જો આજ રીતે આગળ જતા થિયેટરો બંધ રહેશે અને ફિલ્મોના શૂટિંગ નહી થાય તો આ નુકશાન વધી શકે છે. તેમણે કહ્યું ઓવરસીઝ માર્કેટમાં પણ હિંદી ફિલ્મોને રોજનું કરોડો રૂપિયાનું નુકશાન થઈ રહ્યું છે.

ઉલ્લેખનીય છે કે રવિવારે ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઈન્ડિયા સિને એમ્પ્લોઈઝ (FWICE)એ મુંબઈમાં અન્ય ઘણા ફિલ્મ સંગઠનો સાથે નિર્ણય કર્યો હતો કે કોરોના વાયરસના વધી રહેલા પ્રભાવને કારણે ફિલ્મ, સીરિયલ્સ, વેબ શો અને જાહેરખબરોની ફિલ્મોના શૂટિંગ બંધ રાખવામાં આવશે.

તેમણે જણાવ્યું કે કોરોના વાયરસના કારણે ફિલ્મ બાગી 3 અને અંગ્રેજી મીડિયમને ખૂબ નુકશાન ઉઠાવવું પડ્યું છે. તેમણે કહ્યું માત્ર બાગી 3ને જ આશરે 25થી 30 કરોડ રૂપિયાનું નુકશાન થયું છે. તેમણે કહ્યું થિયેટર બંધ હોવાના કારણે દર્શકો ફિલ્મ જોવા નથી જઈ શક્યા અને કોરોનાના ભયથી ફિલ્મો જોવા નથી જઈ રહ્યા લોકો પાસેથી થનારો કારોબાર એવો કારોબાર છે, જેને ડેડ લોસ કહેવામાં આવશે કારણ કે આ એ નુકશાન છે જેની ભરપાઈ ન થઈ શકે.