નવી દિલ્હીઃ રિઝર્વ બેન્કના ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું હતું કે, કોરોના વાયરસથી ભારતીય ઇકોનોમી ગ્રોથને ઝટકો લાગ્યો છે. તેમણે કહ્યુ કે, કેન્દ્રિય બેન્ક કોરોનાના અર્થવ્યવસ્થા પર ઓછી અસર પડે તેના પર કામ કરી રહી છે. શક્તિકાંત દાસે કહ્યું કે, યસ બેન્કના ગ્રાહકોને રાહત મળે તે માટે અમે ઝડપથી કામ કરી રહ્યા છીએ. બુધવારે યસ બેન્કમાંથી પૈસા કાઢવા પર લગાવવામાં આવેલા નિયંત્રણો હટાવી દેવામાં આવશે. એટલે કે ગ્રાહકો પોતાના ખાતામાંથી 50 હજાર રૂપિયાથી વધુ રૂપિયા કાઢી શકશે.આ નિયંત્રણ બુધવાર સાંજે છ વાગ્યે ખત્મ થઇ જશે.




તે સિવાય તેમણે કહ્યું કે, યસ બેન્કમાં ડિપોઝીટ કરનારા ગ્રાહકોના પૈસા બિલકુલ સુરક્ષિત છે. તેમણે ગભરાવવાની જરૂર નથી. યસ બેન્કનું નવું બોર્ડ 26 માર્ચના રોજ કામકાજ સંભાળશે. ભારતીય બેન્કિંગ સિસ્ટમ પુરી રીતે સુરક્ષિત છે. લોકોએ અફવાઓ પર ધ્યાન આપવું જોઇએ નહીં. તેમણે યસ બેન્કના ગ્રાહકોને કહ્યું કે તે કોઇ રીતે ગભરાય નહી. તેમના પૈસા સુરક્ષિત છે અને આગળ પણ રહેશે.