નવી દિલ્હીઃ હાલમાં ટ્રિપલ તલાકનો મુદ્દો ભારતમાં જોરશોરથી ઉછળી રહ્યો છે. વિપક્ષના તમામ વિરોધ છતાં મોદી સરકારે લોકસભામાં ટ્રિપલ તલાક બિલ પાસ કરાવ્યું. આ બિલ અનુસાર તાત્કાલીક અસરથી તલાક આપવા પર પતિને ત્રણ વર્ષ સુધી સજા થઈ શકે છે. હવે આ બિલ મંગળવારે પણ રાજ્યસભામાં પસાર થઈ ગયું છે. મોદી સરકારના આ નિર્ણયથી એક બાજુ મુસ્લિમ સમાજની મહિલાઓ રાહતના શ્વાસ લઈ રહી છે તો વિપક્ષ આ મામલે રાજનીતિ કરી રહી છે.




વિપક્ષ ભલે ટીકા કરતું હોય પણ ભારત સહિત પડોશી દેશ પાકિસ્તાનમાં પણ કેટલાક લોકો આ બિલની પ્રશંસા કરી રહ્યા છે. પાકિસ્તાની એક્ટ્રેસ વીણા મલિકે પણ આ બિલ મામલે પીએમ મોદીની પ્રશંસા કરી છે. ‘બિગ બૉસ’માં ભાગ લઈને ભારતમાં જાણીતી બનેલી વીણા અવાર નવાર પોતાના નિવેદનોને કારણે વિવાદોમાં ઘેરાતી રહી છે. હાલમાં જ તેણે વિંગ કમાન્ડર અભિનંદનની મજાક ઉડાવી હતી. આના કારણે તેને ભારતીય યૂઝર્સ દ્વારા ખૂબ આલોચના અને ગુસ્સાનો સામનો કરવો પડ્યો હતો. જોકે, તીન તલાક મુદ્દે તેણે મોદી સરકારનું સમર્થન કર્યું.

વીણાએ કહ્યું કે, ‘ટ્રિપલ તલાક પર રોક લગાવવા માટે કાયદો બનાવીને મોદી સરકાર ખૂબ સારું કામ કરી રહી છે અને આનાથી મુસ્લિમ મહિલાઓના જીવનમાં ઘણો સુધારો થશે. વીણાએ કહ્યું કે, ભારત અને પાકિસ્તાન વચ્ચે ગમે તેટલો મતભેદ હોય પણ મોદી સરકારના આ પગલાંની હું પ્રશંસા કરું છું. અગાઉ મેં આપેલું નિવેદન નિંદા માટે નહી પણ સરકારનું ધ્યાન દોરવા માટે હતું.