મુંબઈ: બળાત્કારના આરોપમાં છેલ્લા એક મહિનાથી મુંબઈમાં જેલમાં બંધ રહેલા અભિનેતા કરન ઓબેરોયને મુંબઈ હાઈકોર્ટે શુક્રવારે જામીન આપ્યા છે. કરન છેલ્લા એક મહિનાથી જેલમાં બંધ હતો.


કરન પર એક મહિલાએ બળાત્કાર અને બ્લેકમેલ કરવાનો આરોપ લગાવ્યો છે. બાદમાં 6 મેના ઓશિવરા પોલીસે તેની ધરપકડ કરી હતી. બોમ્બે હાઈકોર્ટે તેને 50 હજારના બોન્ડ પર જામીન આપ્યા છે. જામીન અરજી પર સુનાવણી કરતા કોર્ટે જાણ્યું કે મહિલા પર 25 મેના હુમલાની ઘટના તેનું પોતાનું કાવતરૂ હતું, જેમાં તેનો વકીલ પણ સામેલ છે.


કરન ઓબેરોયના પરિવારે આ મામલે દિંડોશી કોર્ટમાં જામીન અરજી કરી હતી, જેને બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ ફગાવવામાં આવી હતી. ત્યારબાદ કરનના પરિવારે બોમ્બે હાઈકોર્ટમાં અરજી કરી હતી, જેની સુનાવણી શુક્રવારે હતી.

ઉલ્લેખનીય છે કે 34 વર્ષની એક મહિલાએ 4 મેના ફરીયાદ નોંધાવી હતી. ફરીયાદ મુજબ કરને ઓક્ટોબર 2017માં લગ્ન કરવાની લાલચ આપી મહિલા સાથે બળાત્કાર કર્યો હતો. કરન પર આરોપ હતો કે તેણે વીડિયો પણ બનાવ્યો હતો અને મહિલાને ધમકી આપી હતી કે જો તેના પૈસા નહી આપે તો વીડિયો વાયરલ કરી દેશે.