મુંબઈ: ‘ઉડાન’, ‘જીત ગઈ તો પિયા મોરે’ તેમજ ‘વિશ’ જેવી જાણીતી સીરિયલોમાં કામ કરી ચૂકેલી અભિનેત્રી દિવ્યા ભટનાગરે બોયફ્રેન્ડ સાથે લગ્નગ્રંથીથી જોડાઈ છે. તે અને ગગન ઉર્ફે ગભરું છેલ્લા 5 વર્ષથી રિલેશનશિપમાં હતાં. ગગન પણ ટેલિવુડ સાથે સંકળાયેલો છે, તે રિયાલિટી શો માટે કામ કરે છે.

મુંબઈના ગુરુદ્વારામાં આ કપલે લગ્ન કર્યાં હતાં. આ અંગે વાત કરતાં દિવ્યાએ જણાવ્યું હતું કે, અમે કોઈ પણ પ્રકારના તામ-જામ વગર સાદગીથી લગ્ન કરવા ઈચ્છતા હતા તેથી અમારા ખાસ દિવસે માત્ર નજીકના મિત્રોને આમંત્રણ આપ્યું હતું. અમે મહેંદી, હલ્દી અને ચૂડા સેરેમની જેવા પ્રી-વેડિંગ ફંક્શન પણ કર્યાં હતા.

તેણે વધુમાં જણાવ્યું હતું કે, બધું અચાનકથી જ થયું હતું. અમે પાંચ વર્ષ સુધી એકબીજા સાથે ડેટિંગ કર્યું હતું. આ સમયગાળા દરમિયાન ખૂબ ખરાબ દિવસો પણ જોયા છે. પરંતુ અમે એકબીજાનો સાથ ક્યારેય ન છોડવાની પ્રતિજ્ઞા લીધી હતી.


દિવ્યા અને ગગનના ઈન્ટર-કાસ્ટ મેરેજ હોવાથી બંનેમાંથી કોઈના પરિવારજને હાજરી આપી નહોતી. આ અંગે વાત કરતાં અભિનેત્રીએ કહ્યું હતું કે, ગગન અને મેં ઘણી તકલીફોનો સામનો કર્યો છે કારણે કે અમારા પરિવારે આ સંબંધને મંજૂરી આપી નહોતી. જ્યારે પણ અમે લગ્ન કરવાનું વિચાર્યું ત્યારે અમારી સામે કોઈને કોઈ સમસ્યા આવી હતી. અમે 2015માં સગાઈ કરી ત્યારે પણ પરિવારજનો વગર કરી હતી.