મુંબઈ: ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ સીરિયલના ચાહકો ‘દયાભાભી’ને ખૂબ મિસ કરે છે. ઘણાં ચાહકોને તો આશા હતી કે દયાભાભી સીરિયલમાં પરત ફરશે પરંતુ એવું કંઈ થઈ શક્યું નહી. માત્ર ફેન્સ જ નહીં સીરિયલની કાસ્ટ પણ એક્ટ્રેસ દિશા વાકાણીને ખૂબ યાદ કરે છે. હાલમાં જ સીરિયલમાં મિસિઝ રોશન સોઢીનો રોલ કરતી અભિનેત્રી જેનિફર મિસ્ત્રી બંસીવાલે દિશા વાકાણી સાથેની જૂની તસવીરો શેર કરી હતી. તસવીરો શેર કરવાની સાથે તે દિશાને કેટલી યાદ કરે છે તે પણ જણાવ્યું હતું.


કોરોના વાયરસને લીધે સીરિયલો અને ફિલ્મોનું શૂટિંગ બંધ કરી દેવામાં આવ્યું છે. ત્યારે રજાના દિવસોમાં જેનિફર જૂની યાદો તાજી કરી હતી. ત્યાં જ તેને દિશા સાથે મસ્તી કરતી જૂની તસવીરો મળી હતી અને તાત્કાલિક સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી હતી જે હાલ વાયરસ થઈ છે.



જેનિફરે દિશા એટલે કે દયાભાભી સાથેની તસવીરો શેર કરતાં લખ્યું હતું કે, દિશ (દિશા વાકાણી) સાથેની ખાસ ક્ષણો…હવે કોરોના વાયરસના કારણે શૂટિંગ બંધ છે ત્યારે મને જૂની તસવીરો જોવાની તક મળી. આ તસવીરો ત્યારે ક્લિક કરી હતી જ્યારે અમે મસ્તીના મૂડમાં હતા. (3 વર્ષ પહેલા લેડીઝના સીન દરમિયાન) હું અને દિશા હંમેશા નૌટંકીના મૂડમાં હોઈએ છીએ. નક્કી હું ડ્રેક્યુલાને લઘુતાગ્રંથિમાં મૂકી શકું છું. કેટલીક ન જોયેલી તસવીરો શેર કરી રહી છું…મિસ યુ દિશ…જો મને મારા ખજાનામાંથી આવી બીજી તસવીરો મળી તો શેર કરીશ.”



નોંધનીય છે તે, દિશા વાકાણી બે વર્ષ પહેલા શોમાંથી બ્રેક લઈને મેટરનિટી લીવ પર ગઈ હતી. પરંતુ હજુ સુધી પરત આવી નથી. શોમાં ચાલી રહેલા પ્લોટની વાત કરીએ તો આજકાલ દેશ-દુનિયાની જેમ અહીં પણ કોરોના વાયરસની સ્ટોરી બતાવાઈ રહી છે. કોરોના વાયરસના કારણે ગોકુલધામ સોસાયટીમાં ટેન્શનનો માહોલ છે.