નવી દિલ્હીઃ કલર્સ ટીવી પર પ્રસારિત થઈ રહેલ શો બિગ બોસ ઘણાં વર્ષોથી દર્શકોનો મનપસંદ શો રહ્યો છે. આ શોમાં પ્રથમ સીઝનથી લઈને અત્યાર સુધી અનેક મોટા ફેરફાર જોવા મળ્યા છે. હાલમાં જ બિગ બોસ 4ની વિનર રહેલ એક્ટ્રેસ શ્વેતા તિવારીએ પોતાની સીઝન સાથે જોડાયેલ કેટલીક વાતો શેર કરી છે.

શ્વેતાએ કહ્યું કે, છેલ્લા વર્ષોમાં શોમાં ઘણો ફેરફાર આવ્યો છે, તે સમયથી અત્યારસુધીની સીઝનમાં ઘણી ચીજો બદલાઈ છે. એક્ટ્રેસે કહ્યું, ‘અમારી સીઝનમાં કોઈ બહારથી સંપર્ક કરી શકતું નહોતું. અમે મેકઅપ પણ કરી શકતા નહોતા. કપડા પણ લિમિટેડ આપવામાં આવતા હતા. અમે જે કપડા લઈને જતા હતા, તેમાંથી થોડા લઈ લેવામાં આવતા હતા. કહેતા હતા કે આટલા કપડામાં કામ ચલાવો બાકીના પરત કરી દો. પરંતુ હવે હું જોઈ શકું છું કે લોકો પહેલા કરતા સારા લાગી રહ્યા છે’.



શ્વેતાએ આગળ વાત કરતાં કહ્યું કે, સ્પર્ધકો હવે ડિઝાઇનર વસ્ત્રો પહેરી રહ્યા છે. સારું મેકઅપ થઈ રહ્યું છે. મને લાગે છે કે 24 કલાક તમે ટીવીમાં દેખાવ છો તો તમારે વધુ સારા દેખાવું જોઈએ. શ્વેતાએ બીજા ફેરફારની વાત કરી કે-અમારા સમયમાં ફક્ત એક વાઇલ્ડ કાર્ડ સ્પર્ધક આવતો હતો. આ સિવાય કોઈ અંદર આવતું ન્હોતું. પરંતુ હવે ઘણા લોકો અંદર આવે છે. તેઓ પરિવારના સભ્યોને બહારની માહિતી પણ આપે છે. શ્વેતાએ કહ્યું કે, હું ઈન્સ્ટાગ્રામ પર શોની નાની નાની ક્લિપ જોયા કરુ છું. સીઝન 13ના કેટલાય સ્પર્ધકોને હું પહેલાથી જ ઓળખું પણ છું. હું વિશાલ આદિત્ય સિંહ, સિદ્ધાર્થ શુક્લા અને રશ્મિને ઓળખું છું.

જ્યારે શ્વેતાને પૂછવામાં આવ્યું કે શું રશ્મિ દેસાઈ વૂમન કાર્ડ પ્લે કરી રહી છે? જેના જવાબમાં તેણે કહ્યું, ‘વૂમન કાર્ડ શું હોય છે. હકીકત તો એ છે કે દરેક વ્યક્તિ ઘરમાં પોતાને બેસ્ટ બતાવવાનો પ્રયાસ કરે છે. 3 અઠવાડિયા બાદ સત્ય આપોઆપ બહાર આવવા લાગે છે. 3 અઠવાડિયા બાદ તમને એ પણ યાદ રહેતું નથી કે કેમેરા લાગેલા છે. 3 અઠવાડિયા બાદ તમે દેખાડો કરી શકો નહીં. જો લોકોને લાગે છે કે રશ્મિ વૂમન કાર્ડ પ્લે કરી રહી છે તો તે સ્માર્ટ છે અથવા તો પછી તેનો સ્વભાવ જ એવો છે’.