નવી દિલ્હીઃ ચાલુ નાણાંકીય વર્ષમાં જીડીપી વિકાસ દર 11 વર્ષના નીચલા સ્તર પર રહેવાના અંદાજ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે કહ્યું કે, ભારતીય અર્થવ્યવસ્થાનો પાયો મજબૂત છે અને તેમાં ફરીથી પાટા પર આવવાની પૂરેપૂરી ક્ષમતા છે. મોદીએ આગામી બજેટ પહેલા અહીં એક બેઠક દરમિયાન આ વાત કહી. વડાપ્રધાન મોદી આ પહેલા જુદા-જુદા ક્ષેત્રોના દિગ્ગજોની સાથે અર્થવ્યવસ્થાને પ્રભાવિત કરનારા વિભિન્ન મુદ્દાઓ તથા આગામી બજેટમાં યોગ્ય પોલિસી લાવવાને લઈને લગભગ 12 બેઠક કરી ચૂક્યા છે.


આ બેઠક પછી અર્થશાસ્ત્રી ચરણ સિંહનું કહેવું છે કે ઇન્કમટેક્સમાં છુટછાટ આપવાની નહીં પણ ગ્રામીણ વિસ્તારમાં ખર્ચ વધારવાની જરુર છે. તેમણે કહ્યું હતું કે પ્રધાનમંત્રીએ બેઠકમાં કહ્યું કે જો સરકારની નીતિમાં કોઈ ખામી છે તો અર્થશાસ્ત્રી અમને બતાવે, અમે સુધારો કરવા માટે તૈયાર છીએ. જેનું બધા અર્થશાસ્ત્રીઓએ સ્વાગત કર્યું હતું. તમને જણાવી દઈએ કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આર્થિક વૃદ્ધિને ગતિ આપવા માટે ઉપાયો અને અર્થવ્યવસ્થાની સ્થિતિ પર ચર્ચા માટે નીતિ આયોગમાં અર્થશાસ્ત્રીઓ અને વિશેષજ્ઞો સાથે બેઠક કરી હતી.



બેઠક પછી ઉદ્યોગપતિ અરવિંદ મેલિગિરીએ જણાવ્યું હતું કે વિભિન્ન સેક્ટરના લોકોએ અલગ-અલગ સલાહો આપી છે. પ્રધાનમંત્રીએ અમારા બધાની સલાહો ઘણી સકારાત્મક તરીકેથી સાંભળી હતી. મેં પણ પ્રોજેક્ટની મંજૂરીને સરળ બનાવવા પર સલાહ આપી છે.

એક સત્તાવાર નિવેદન મુજબ, વડાપ્રધાનએ કહ્યું કે, ‘આપણે સાથે મળીને કામ કરવાની અને એક રાષ્ટ્રની જેમ વિચારવાની શરૂઆત કરવી જોઈએ.’ તેમણે કહ્યું કે, ભારતીય અર્થવ્યવસ્થાના ઉતાર-ચડાવ સહન કરવાની શક્તિ અર્થવ્યવસ્થાની પાયાની બાબતોની મજબૂતી અને તે ફરીથી પાટા પર આવવાની ક્ષમતાને દર્શાવે છે. તેમણે ભાર આપ્યો કે, બધા હિતધારકોએ હકીકત અને વિચાર વચ્ચેની ખાઈ ઘટાડવા માટે કામ કરવાનું છે.

સૂત્રો મુજબ, બેઠકમાં સામેલ તજજ્ઞોએ સરકારને લોન વૃદ્ધિ, નિકાસ વૃદ્ધિ, જાહેર ક્ષેત્રની બેંકોના સંચાલન, ઉપભોગ અને રોજગાર વધારવા પર ધ્યાન આપવાનો આગ્રહ કર્યો. બેઠકમાં લગભગ 40 તજજ્ઞો અને અર્થશાસ્ત્રીઓએ ભાગ લીધો.

આ બેઠકમાં ગૃહમંત્રી અમિત શાહ અને અન્ય મંત્રીયો સિવાય નીતિ આયોગના ઉપાધ્યક્ષ રાજીવ કુમાર, મુખ્ય કાર્યકારી અધિકારી અમિતાભ કાંત પણ સામેલ થયા હતા. પ્રધાનમંત્રીના આર્થિક સલાહકાર પરિષદના ચેરમેન બિબેક દેબરોય પણ આ બેઠકમાં હાજર હતા. સરકાર 2020-21 માટે બજેટ પ્રસ્તાવ તૈયાર કરવામાં લાગી ગઇ છે.