નવી દિલ્હીઃ સીએએ અને એનઆરસીને લઈને એક બાજુ દેશમાં અનેક જગ્યાએ વિરોધ પ્રદર્શન ચાલી રહ્યા છે, ત્યારે આ બધાની વચ્ચે એક્ટ્રેસ ઉર્મિલા માતોડકરે તેને લઈને મોટું નિવેદન આપ્યું છે. ઉર્મિલાએ તેનો વિરોધ કરતાં તેને કાળો કાયદો ગણાવ્યો છે. ઉર્મિલા માતોડકરે આ કાયદાની તુલના અંગ્રેજો દ્વારા લાવવામાં આવેલ રોલેટ એક્ટ સાથે કરી છે.


તેણે કહ્યું, ‘અંગ્રેજ જાણતા હતા કે 1919માં બીજા વિશ્વયુદ્ધ બાદ ભારતમાં વિરોધ વધશે. માટે તે રોલેટ એક્ટ લઈને આવ્યા. 1919નો એ કાયદો અને અને નાગરિકતા સંશોધન કાયદો બન્નેને ઈતિહાસમાં કાળા કાયદા તરીકે નોંધવામાં આવશે.’ઉર્મિલાએ કહ્યું કે, કથિત દેશભક્ત દેશ પર આ પ્રકારની ઇજારાશાહી કરવા માગે છે.

નોંધનીય છે કે, પ્રથમ વિશ્વ યુદ્ધ 1914થી 1918 સુધી ચાલ્યું હતું, જ્યારે બીજું વિશ્વ યુદ્ધ 1938થી 1945 સુધી ચાલ્યું હતું. પ્રથમ વિશ્વ યુદ્ધ બાદ 1919માં અંગ્રેજ રોલેટ એક્ટ લઈને આવ્યા હતા.



ઉર્મિલાએ કહ્યું કે, ‘આ કાયદો ગરીબો અને મુસ્લિમો વિરોધી છે’

તેમણે કહ્યું કે, આ એક્ટમાં અંગ્રેજી સરકારની પાસે એ તાકાત હતી કે સરકાર વિરૂદ્ધ બોલનારને તે જેલમાં મોકલી શકતી હતી. એવું જ હવે પણ થઈ રહ્યું છે. તમને જણાવીએ કે, ઉર્મિલા માતોડકર હવે ભલે કોઈ રાજનીતિક પાર્ટી સાથે જોડાયેલ ન હોય પરંતુ 2019માં તેણે કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી લડી હતી. જોકે તે ચૂંટણીમાં કંઈ ખાસ કરી શકી ન હતી. ચૂંટણીમાં હાર બાદ તેણે કોંગ્રેસ એ કહીને છોડી દીધી કે પાર્ટી તેની વાતને કોઈ મહત્ત્વ નથી આપતી.