મુંબઈઃ વીતેલા જમાનાની જાણીતી અભિનેત્રી નવાબ બાનો ઉર્ફે નિમ્મીનું લાંબી બીમારી બાદ મુંબઈમાં અવસાન થયું હતું. તે 87 વર્ષની હતી. બુધવારે સાંજે 6 કલાકે શ્વાસ સંલગ્ન બીમારીના કારણે તેનું મોત થયું હતું. છેલ્લા થોડા દિવસોથી તે મુંબઈના જૂહુ સ્થિત ક્રિટીકેયર હોસ્પિટલમાં ભરતી હતી.


નિમ્મીના દિયર ઇઝહાર હુસૈને એબીપી ન્યૂઝ સાથે ફોન પર વાત કરીને તેના મોતની પુષ્ટિ કરી હતી. નિમ્માના પતિ એસ.અલી રજાનું 2007માં અવસાન થયું હતું. તેમને કોઈ સંતાન નહોતું અને તે ભાણેજ પરવીન સાથે જૂહુમાં રહેતી હતી.

નિમ્મીએ 50 અને 60ના દાયકામાં અનેક ફિલ્મોમાં કામ કરીને લોકપ્રિયતા હાંસલ કરી હતી. અભિનેત્રી તરીકે 1986માં આવેલી ફિલ્મ ‘લવ એન્ડ ગૉડ’ તેની અંતિમ ફિલ્મ હતી. આ પહેલા તેણે રાજેન્દ્ર કુમાર અને સાયરા બાનો અભિનિત ફિલ્મ ‘મેરે મહબૂબ’(1963)માં કામ કર્યુ હતું.

નિમ્મીએ રાજકપૂર, નરગિસ અને પ્રેમનાથ અભિનિત ફિલ્મ ‘બરસાત’ (1949)થી ફિલ્મી કરિયરની શરૂઆત કરી હતી. જેમાં તે સેકંડ લીડમાં હતી. આ ઉપરાંત તેણે ‘દીદાર’, ‘જાન’, ‘કુંદન’, ‘દાગ’ અને ‘બસંત બહાર’ જેવી ફિલ્મોમાં અભિનય કર્યો હતો.