અમદાવાદઃ ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીને મોટો ઝટકો લાગ્યો છે. ગુજરાતી ફિલ્મ, ટીવી અને નાટકના દિગ્ગજ અભિનેતા અરવિંદ રાઠોડનું નિધન થયું છે. તેઓ 80 વર્ષના હતા. તેઓ લાંબા સમયથી બીમાર હતા અને કોઈના પણ સંપર્કમાં નહોતા. અમદાવાદમાં તેઓ પાલડી ખાતે રહેતા હતા.  ગુજરાતી ફિલ્મોનો સુરજ મધ્યાહન તપતો હતો ત્યારે તેમણે ભાદર તારા વહેતા પાણી, સોન કંસારી, ગંગા સતી, મા ખોડલ તારો ખમકારો જેવી ફિલ્મોમાં અભિનય કર્યો હતો.


અરવિંંદ રાઠોડ અભિનિત ચલચિત્રો

જ્હોની ઉસકા નામ, બદનામ ફરિશ્તે, મહાસતી સાવિત્રી, કોરા કાગઝ, ભાદર તારા વહેતા પાણી, સોના કંસારી, સલામ મેમસાબ, ગંગા સતી, મણિયારો, જાગ્યા ત્યારથી સવાર, મા ખોડલ તારો ખમકારો, મા તેરે આંગન નાગરા બાજે, અગ્નિપથ, ખુદા ગવાહ, અબ તો આજા સાજન મેરે.


ગુજરાતી રંગભૂમિ અને ફિલ્મોના દિગ્ગજ કલાકારના અરવિંદ રાઠોડના નિધનથી ગુજરાતી ફિલ્મજગતમાં શોકનો માહોલ છવાઇ ગયો છે. તેઓના પિતા દરજીકામના વ્યવસાય સાથે સંકળાયેલા હતાં પરંતુ પિતાનો વ્યવસાય સ્વિકારવાના બદલે શાળા-કૉલેજમાં અભિનય અને અન્ય પ્રવૃત્તિ કરી અનેક ઇનામો મેળવી ચૂકેલા અરવિંદ રાઠોડે ચૂપચાપ નાટકોમાં કામ કરવું શરૂ કરી દીધું હતું.


અરુણા ઈરાનીના પિતા એફ. આર. ઈરાનીના નાટક ‘મોટા ઘરની વહુ’ માં ભૂમિકા કર્યા બાદ અમદાવાદમાં કેટલાંક નાટકોમાં અભિનય કર્યો હતો. 1967-68માં વિનોદ જાનીના નાટક ‘પ્રીત પિયુ ને પાનેતર’ ના કારણે તેઓને મુંબઈ આવવાનું થયું હતું. તેઓ ફોટો જર્નાલિસ્ટ તરીકતે મુંબઈમાં કામ કરતાં હતા ત્યારે રાજકપૂરે તેઓને જોયા અને ‘મેરા નામ જોકર’ માં એક નાનકડી ભૂમિકા આપી અને ત્યારથી ફિલ્મના પડદા સાથે તેઓ જોડાઇ ગયાં.


સતત 46 ફિલ્મોમાં ખલનાયકની ભૂમિકા


1967થી જ ગુજરાતી ફિલ્મો મળવા લાગી. પ્રથમ વર્ષે જ ‘ગુજરાતણ’, ત્યાર બાદ 1969માં ‘કંકુ’, ‘સંસારલીલા’ અને ‘જનનીની જોડ’, 1973માં ‘જન્મટીપ’ પછી 1976માં તેમની 6 ફિલ્મો આવી. એ પૈકીની ‘ભાદર તારાં વહેતાં પાણી’માં ભજવેલી ‘જેઠા’ની ભૂમિકાએ તો તેઓને ખલનાયક તરીકે એવાં ઉપસાવી દીધાં કે ત્યાર પછી સતત 46 ફિલ્મો સુધી તેઓને ખલનાયકની જ ભૂમિકા મળતી રહી.


હિન્દી ફિલ્મોમાં પણ કર્યો અભિનય


ગુજરાતી ફિલ્મો ઉપરાંત તેઓએ ‘મેરા નામ જોકર’, ‘કોરા કાગઝ’, ‘અગ્નિપથ’ અને ‘ખુદાગવાહ’ જેવી હિન્દી ફિલ્મોમાં પણ રોલ કર્યો છે. મુંબઈનાં ગુજરાતી નાટકોમાં પણ તેઓએ ભૂમિકા ભજવી છે.