અનેક રજૂઆતો અને હડતાળો બાદ અંતે રાજ્ય સરકારે રાજ્યની તમામ સરકારી નર્સ સ્ટાફના વિવિધ પ્રકારના એલાઉંસમાં વધારો કરવાનો નિર્ણય કર્યો છે. યુનિફોર્મ એલાઉંસ, નર્સિંગ એલાઉંસ, વોશિંગ એલાઉંસમાં સરકારે વધારો કરતા રાજ્યની સરકારી હોસ્પિટલો અને આરોગ્ય કેંદ્રમાં ફરજ બજાવતા 18 હજારથી વધુ નર્સિંગ સ્ટાફને માસિક 1700 રૂપિયાનો ફાયદો થશે.


રાજ્ય સરકારે મોટા ભાગની માંગણીઓ સ્વીકારી છે. રાજ્યના આરોગ્ય વિભાગે કરેલા ઠરાવ મુજબ રાજ્યા નર્સિંગ સ્ટાફને માસિક 135 ટકાના વધારા સાથે એકંદરે 1700 રૂપિયા એલાઉંસ વધાર્યું છે.  આ એલાઉંસ વધારાનો લાભ રાજ્યની તમામ સરકારી હોસ્પિટલો, સામૂહિક આરોગ્ય કેંદ્રો તેમજ પ્રાથમિક આરોગ્ય કેંદ્રો તથા જિલ્લા પંચાયત હસ્તકની હોસ્પિટલો, દવાખાનામાં ફરજ બજાવતા 18 હજારથી વધુ નર્સિંગ સ્ટાફને મળશે.


સરકાર દ્વારા ઠરાવ પસાર કરીને જણાવવામાં આવ્યું છે કે નર્સિંગ કર્મચારીઓને દર મહિને નર્સિંગ એલાઉન્સ પેટે ચૂકવવામાં આવતાં 600 રૂપિયાથી વધારીને 1400 રૂપિયા કર્યા, યુનિફોર્મ એલાઉન્સ પેટે ચૂકવવામાં આવતાં 490 રૂપિયા વધારીને હવે 1100 રૂપિયા કર્યા અને વોશિંગ એલાઉન્સ પેટે ચૂકવવામા આવતાં 210 રૂપિયા વધારીને 500 રૂપિયા ચૂકવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.


નર્સિંગ સ્ટાફ દ્વારા બીએસસી નર્સિંગની વિદ્યાર્થિનીઓને અન્ય મેડિકલ સ્ટુડન્ટની જેમ ઈન્ટર્નશિપમાં વધારાની અને સરકારી નર્સિંગ સ્ટાફને અન્ય મેડિકલ સ્ટાફની જેમ ગ્રેડ પેમાં વધારો કરવાની પણ માંગ કરાઈ હતી ત્યારે સરકારે હાલ આ માંગણીઓ બાબતે કોઈ ઠરાવ કર્યો નથી.


અત્રે ઉલ્લેખનીય છે કે કોરોના વખતે નર્સિંગ સ્ટાફે રાત-દિવસ જોયા વગર પોતાની ફરજ નીભાવી હતી પરંતુ જ્યારે તેમને ન્યાય આપવાની વાત કરવામાં આવી એટલે સરકાર પાણીમાં બેસી ગઈ હતી. ભથ્થામાં વધારો કરવાની તેમની માંગના પ્રશ્ર્નને અધ્ધરતાલ જ રાખવામાં આવ્યો હતો જેથી સ્ટાફે હડતાલ પણ પાડી હતી. પ્રથમ વખત હડતાલ પાડ્યા બાદ સરકારનું ધ્યાન તેના ઉપર ગયું નહોતું તેથી બીજી વખત હડતાલ પાડવામાં આવી હતી અને ત્યારપછી સરકારે સફાળી જાગી નર્સિંગ એસોસિએશનના પ્રતિનિધિઓ સાથે મેરેથોન બેઠક કરી હતી.