Trending Video: ભારતમાં લગ્નની સિઝન હોય ત્યારે અવનવી ઘટનાઓ બનતી હોય છે. લોકો તેમના લગ્નને યાદગાર બનાવવા માટે તમામ પ્રયાસો કરે છે. આજકાલ બીજા કરતાં કંઈક અલગ અને હટકે અંદાજમાં લગ્નન કરવાની જાણે સ્પર્ધાઓ ચાલી રહી છે. આવો જ એક કિસ્સો ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરમાં જોવા મળ્યો છે, જ્યાં કંઈક હટકે કરવા જતાં ઉલમાંથી ચૂલમાં પડવા જેવો ઘાટ સર્જાઓ અને લાખો રુપિયાનો દંડ ભરવો પડ્યો.
મુઝફ્ફરનગરની ભીડવાળી શેરીમાં વરરાજા તેના મિત્રો સાથે ખુલ્લી કારમાં ડાન્સ કરતો હોવાનો વીડિયો વાયરલ થયો છે. વીડિયોમાં દેખાય છે કે, વરઘોડામાં હાજર લોકો ચાલતી કારમાં નાચી રહ્યા છે. ચાલુ કારમાં આ રીતે ડાન્સ કરવો ખતરનાક સાબિત થઈ શકે છે. લાલ રંગની ઓડી કારમાં ફરતો વરરાજા પણ રસ્તેથી પસાર થતા લોકોની સલામતી જોખમમાં મુકીને ચાલી રહ્યો છે. વીડિયોમાં કેટલાક લોકો પોતાની કારની બારીમાંથી બહાર લટકતા અને સેલ્ફી લેતા ડાન્સ કરતા પણ જોઈ શકાય છે. લગ્નના નામે કરાયેલું આ કૃત્ય અંકિત નામના વ્યક્તિએ રેકોર્ડ કર્યું હતું અને આખો વીડિયો પોલીસને આપ્યો હતો. પોલીસે હરકતમાં આવીને ઝડપી કાર્યવાહી કરી તમામ વાહનો પર દંડ ફટકાર્યો હતો.
પોલીસે પોતાના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર વીડિયો શેર કરતાં લખ્યું છે કે, દિલ્હી રજિસ્ટ્રેશન પ્લેટવાળી 9 કારના માલિકો પર 2 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. વરિષ્ઠ પોલીસ અધિક્ષક અભિષેક યાદવે ટ્રાફિક પોલીસને ચેતવણી આપી અને વરરાજા સામે કડક કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે. જે બાદ તમામ નવ વાહનો પર લગભગ 2 લાખનો દંડ વસૂલવામાં આવ્યો છે.