નવી દિલ્હીઃ જ્યારથી આરબીઆઈએ યસ બેંકને લઈને જાહેરાત કરી છે ત્યારથી લાખો લોકો મુશ્કેલીમાં આવી ગયા છે. આ યાદીમાં ફિલ્મ અને ટીવી એક્ટ્રેસ પાયલ રોહતગીના પિતા શશાંત રોહતગીનું નામ પણ સામેલ છે. અમદાવાદની સુભાષ ચોક યસ બેંક બ્રાન્ચમાં તેમના અંદાજે 2 કરોડ રૂપિયા અટવાઈ ગયા છે.


એક ટીવી ચેનલ સાથે વાતચીત કરતાં પાયલ રોહતગીએ કહ્યું કે, તેના પિતાએ 11 વર્ષ પહેલા ગુડગાંવમાં યસ બેંકમાં પોતાનું ખાતું ખોલાવ્યું હતું અને સાત વર્ષ હેલા તેને અમદાવાદની એ જ બેંકમાં ટ્રાન્સફર કરાવ્યું હતું. નિવૃત્તિ બાદ અમદાવાદમાં રહેતા 70 વર્ષીય શશાંત રોહતગી વિતેલા કેટલાક વર્ષથી કેન્સર અને અન્ય ગંભીર બીમારીઓનો સામનો કરી રહ્યા છે.


પાયલે કહ્યું કે, આ ખબર તેના પિતા માટે ખૂબ જ દુખભરી છે. કારણ કે તે બીમારીઓની સારવાર કરાવી રહ્યા છે અને હવે તેને રૂપિયા ઉપાડવામાં મુશ્કેલીનો સામનો કરવો પડશે. પાયલે કહ્યું કે, હાલમાં જ તેના પિતાને બેંકમાંથી તમામ રૂપિયા ઉપાડીને અન્ય બેંકમાં જમા કરાવવાની પ્રક્રિયા શરૂ કરી દીધી હતી. પરંતુ તેઓ યસ બેંકમાં જઈને ચેક મેળવે તે પહેલા જ આરબીઆઈની જાહેરાતથી મુશ્કેલી ઉભી થઈ ગઈ છે.



એટલું જ નહીં પાયલે એ પ કહ્યું કે, તેના પિતા ઘણાં સમયથી યસ બેંકમાં ચાલી રહેલ સમસ્યાઓ વિશે સાંભળી રહ્યા હતા અને અન્ય બેંકમાં પોતાનું ખાતું ટ્રાન્સફર કરાવવા ઇચ્છુક હતા. પરંતુ બેંક તરફથી હંમેશા આશ્વાસન આપવામાં આવતું કે હવે સ્થિતિ પર નિયંત્રણ મેળવી લેવામાં આવ્યું છે અને કંઈ જ ગડબડી નહીં થાય.

જણાવીએ કે, સોશિયલ મીડિયા પર હંમેશા વિપક્ષને ઘેરનારી એક્ટ્રેસ પાયલ રોહતગીએ યસ બેંકના અહેવાલ બાદ પોતાના પિતાના રૂપિયા ફસાયા હોવાને લઈને ટ્વીટ કર્યું હતું. ટ્વીટમાં તેણે પીએમ કાર્યાલય સાથે ગૃહ મંત્રાલયને પણ ટેગ કર્યા હતા અને બન્ને પાસે મદદની અપીલ કરી હતી.