Jio Phone યૂઝર્સને ટૂંકમાં જ મળશે ગૂગલના આ પોપ્યુલર ફીચર્સ
નવી દિલ્હીઃ રિલાયન્સ જિઓના ફીચર ફોન જિઓફોનમાં ટૂંકમાં જ ગૂગલની કેટલીક ખાસ સુવિધાઓનો લાભ મળવા લાગશે. ગૂગલના આ ફીચર્સ અત્યાર સુધી જિઓફોનમાં મળતા ન હતા. નોંધનીય છે કે જિઓફોન એક ફીચર ફોન છે અને KaiOS ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરે છે. આ સિસ્ટમને અમેરિકાની એક કંપનીએ બનાવી છે. હવે ગૂગલના સપોર્ટથી કંપનીને KaiOS યૂઝર્સને ખાસ એપ્સ મળવાની છે.
KaiOS એક વેબ બેસ્ડ પ્લેટફોર્મ છે જે HTML5, જાવાસ્ક્રિપ્ટ અને સીપીએસ જેવા ઓપન સ્ટાન્ડર્ડનો ઉપયોગ કરે છે. તેને ભારતમાં જાન્યુઆરી 2018માં લોન્ચ કરવામાં આવ્યું તું અને ટૂંકમાં જ 15 ટકા મોબાઈલ ઓપરેટિંગ સિસ્ટમના માર્કેટ પર કબ્જો કરી લીધો.
KaiOS ટેક્નોલોજીના સીઈઓ સબેસ્ટિયન કોડવિલે કહ્યું કે, આ ફંડ દ્વારા અમને ઝડપથી વિકાસ કરવામાં મદદ મળશે અને વિશ્વભરમાં KaiOSવાળા સ્માર્ટ ફીચર ફોન લોકો ઉપયોગ કરી શકશે. હાલમાં વિશ્વભરમાં એક મોટો વર્ગ ઇન્ટરનેટથી કનેક્ટેડ નથી અને આ ખાસ કરીને અમારા માટે ઇમર્જિંગ માર્કેટ છે. નોંધનીય છે કે, આ પહેલા એવા અહેવાલ આવ્યા હતા કે જિઓફોન પર ટૂંકમાં જ પોપ્યૂલર મેસેજિંગ એપ વ્હોટ્સએપ પણ ચાલશે.
ગૂગલની આ એપ્સમાં ગૂગલ અસિસ્ટન્ટ, ગૂગલ મેપ્સ, યૂટ્યૂબ અને ગૂગલ સર્ચ સામેલ છે. ગૂગલે આ ફર્મમાં 22 મિલિયન ડોલરનું ભારે ભરખમ રોકાણ કર્યું છે જેથી યૂઝર્સને ઇન્ટરનેટનો ઉપયોગ કરવામાં મદદ મળી શકે.