Samsung ગેલેક્સી S9માં આવી આ સમસ્યા, યૂઝર્સ કરી રહ્યા છે ફરિયાદ
નવી દિલ્હીઃ સેમસંગે હાલમાં જ પોતાનો લેટેસ્ટ સ્માર્ટપોન ગેલેક્સી S9ને વેચાણ માટે ઉપલબ્ધ કરાવ્યો છે. થોડા સમયની અંદર જ આ મોંઘા ફોનના યૂઝર્સને કેટલીક સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. યૂઝર્સની ફરિયાદ છે કે ફોનની ટચસ્ક્રીન યોગ્ય રીતે કામ નથી કરી રહી. આ ઈશ્યૂને લઈને ઉપયોગકર્તાઓએ ઓનલાઈન વેબસાઈટ રેડિટ અને સેમસંગના સપોર્ટ ક્રોમ્સ પર ફરિયાદનો વરસાદ કર્યો છે. આ મુદ્દે સેમસંગે જણાવ્યું છે કે, કંપની આ ફરિયાદ પર કામ કરી રહી છે.
સેમસંગના સત્તાવાર પેજ પર એક યુઝરે લખ્યું છે કે, ‘શું કોઈને ગેલેક્સી S9ની સ્ક્રીનમાં કોઈ પ્રોબ્લેમ થઈ રહી છે? મારા ફોનની સ્ક્રીન પર નીચેની તરફ કેટલાક ડેડ સ્પોટ્સ્ છે.’ જોકે, કેટલાક યુઝર્સ કહી રહ્યા છે કે, ફોનને રિ-સેટ કરવાથી કે પછી તેની સેન્સિટિવિટી વધારવાથી ડેડ સ્પોટનો ઈશ્યૂ નથી રહેતો. જોકે, મોટાભાગના લોકો કહી રહ્યા છે કે તેઓ ફોન રિપ્લેસ કરાવવા ઈચ્છે છે.
એક યુઝરે લખ્યું છે કે, મારા ફોનમાં સ્ક્રીનની ઉપરની બાજુ એક ડેડ સ્પોટ છે, જે ક્યારેક કામ કરે છે, તો ક્યારેક નથી કરતું. હું ફોનને રિપ્લેસ કરાવવા માગું છું. આ ફોન બિક્સબાય વર્ચ્યુઅલ આસિસ્ટન્ટ ધરાવે છે, જે ફોરેન લેંગવેજને રિયલ ટાઈમમાં ટ્રાન્સલેટ કરી શકે છે.
આ ફોન ભારતમાં હજુ 6ઠ્ઠી માર્ચે જ લોન્ચ થયો છે. જોકે, તેના વિશે હજુ સુધી તો કોઈ આવી ફરિયાદ સાંભળવા નથી મળી. મહત્વનું છે કે, ગયા વર્ષે સેમસંગના સ્માર્ટફોન નોટ 7માં બેટરી ફાટવાના કેટલાક કિસ્સા નોંધાતા કંપનીની બ્રાન્ડ ઈમેજને ખાસ્સો ફટકો પહોંચ્યો હતો.
ગેલેક્સી એસ 9 સેમસંગનો અત્યાર સુધીનો સૌથી હાઈટેક ફોન છે. ભારતમાં ગેલેક્સી એસ 9 અને એસ 9 પ્લસ બંને માર્ચના પહેલા વીકમાં જ લોન્ચ થયા છે. આ ફોન્સની કિંમત 57,900 રૂપિયાથી શરુ થાય છે. S9નું 256 જીબીનું મોડેલ પણ ઉપલબ્ધ છે, જેની કિંમત 65,900 રૂપિયા છે. જ્યારે એસ 9 પ્લસનું 256 જીબીનું ટોપ મોડેલ 72,900 રૂપિયાનું છે.