માત્ર 40 વર્ષની નાની વયે ગુજરાત પ્રદેશ પ્રમુખ બનાવાયેલા અમિત ચાવડા કોણ છે?
મધ્ય ગુજરાતમાંથી આવતા 40 વર્ષીય યુવા કોંગ્રેસ નેતા અમિત ચાવડા પર અત્યાર સુધીમાં એકપણ ગુનાહિત કૃત્યનો કેસ નોંધાયેલો નથી, જેના કારણે જવાબદારી માટે પાર્ટીની પહેલી પસંદ બની શક્યા છે.
અમિત ચાવડા મૂળ મધ્ય ગુજરાતના આણંદ જિલ્લાના આંકલાવ ગામના રહેવાસી છે. 2017ના ચૂંટણી પંચના રિપોર્ટ અનુસાર તેમની મિલકત એક કરોડથી વધુની છે.
40 વર્ષના અમિત ચાવડા પોતે ખેડૂત પુત્ર છે અને મધ્ય ગુજરાતમાં તેઓ સોશ્યલ વર્કર્સ તરીકે પણ જાણીતા છે. તેમના પિતાનું નામ અજિતભાઇ ચાવડા છે.
અમિત ચાવડાની રાજકીય કેરિયરની વાત કરીએ તો સૌથી પહેલા સંગઠન અને બાદમાં ધારાસભ્ય તરીકે લોકોની વચ્ચે આવ્યા. સૌથી પહેલા 2004માં ભરતસિંહ સોલંકી લોકસભામાં જીત્યા ત્યારે બોરસદની ખાલી પડેલી બેઠક પર પેટાચૂંટણીમાં જીત મેળવીને પ્રથમવાર ધારાસભ્ય બન્યા હતા. બાદમાં 2007માં બોરસદ બેઠક પરથી કોંગ્રેસના ધારાસભ્ય બન્યા બાદમાં 2012 અને 2017માં આંકલાવ બેઠક પરથી સતત બે ટર્મ સુધી કોંગ્રેસના ધારાસભ્ય તરીકે ચૂંટાઇ આવ્યા છે.
અમિત ચાવડા એ ભરતસિંહ સોલંકીના મામાનો દીકરો છે. અમિત ચાવડા મધ્ય ગુજરાતમાં પોતાની આગવી ઓળખ અને જનસંપર્ક માટે જાણીતા છે. અમતિ ચાવડા અત્યારે મધ્ય ગુજરાતની અંકલાવ બેઠક પરથી ધારાસભ્ય ચૂંટાઇ આવ્યા છે.
ગાંધીનગરઃ કોંગ્રેસ હાઇકમાન્ડે આજે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષના નામની જાહેરાત કરી દીધી છે. અત્યાર સુધી આ પદ મધ્ય ગુજરાતના કદાવર નેતા ભરતસિંહ સોલંકીના નામે હતું, કોંગ્રેસ પાર્ટીએ આ પદ પર હવે યુવા નેતાને બેસાડ્યા છે, આ યુવા નેતા બીજુ કોઇ નહીં પણ મધ્ય ગુજરાતના સૌથી યુવા અને જોશીલા નેતા અમિત ચાવડા છે. કોંગ્રેસ અમિત ચાવડાને ગુજરાતના નવા પ્રદેશ અધ્યક્ષ તરીકેને જાહેરાત કરી છે. જાણો અમિત ચાવડા કોણ છે?