'મારી પાસે પરમિટ છે ને હું દારૂ પીઉં છું', ગુજરાત કોંગ્રેસના આ ધારાસભ્યે આ કબૂલાત કરી ખળભળાટ મચાવ્યો
મહાત્મા ગાંધીની વિચારધારાને અનુસરતી કૉંગ્રેસને પોતાના જ ધારાસભ્યે કાળો ધબ્બો મારતા અન્ય સભ્યો પણ ઇન્દ્રનીલના આ બિનસરકારી સંકલ્પની ચર્ચામાં ભાગ લેવાનું ટાળ્યું હતું. રાજ્યમાં લથડી પડેલી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ એવો ખુલાસો કર્યો હતો કે અમારી સરકાર દારૂબંધીના કડક કાયદાનો ચુસ્ત અમલ કરી રહી છે. તેનો ભંગ કરનાર કોઇપણને જામીન ન મળે તેવી જોગવાઇ કરવામાં આવી છે.
તે સિવાય ઈન્દ્રનીલે મુખ્યમંત્રી વિજય રૂપાણી પર ટિપ્પણી કરી જણાવ્યું હતું કે પેટા ચુંટણી જીતવા માટે તેમણે શું કર્યું હતું તે મને ખબર છે. હું તેમને પડકાર ફેંકુ છું કે 2017ની ચુંટણીમાં હું તેમની સામે લડવાનો છું.
રાજકોટઃ છેલ્લા કેટલાક દિવસોથી કાયદો અને વ્યવસ્થાની ખરાબ સ્થિતિને લઇને રાજ્ય સરકાર પર વિપક્ષ હુમલાવર બન્યો છે પરંતુ કોગ્રેસના જ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરુએ વિધાનસભામાં કબૂલાત કરી હતી કે દારૂબંધી છતાં મારી પાસે પરમિટ છે અને હું છેલ્લા 10 વર્ષથી દારૂ પીવું છું. ઇન્દ્રનીલની કબૂલાતથી કોગ્રેસના ધારાસભ્યો જ ચોંકી ઉઠ્યા હતા.
રાજ્યગુરુએ જણાવ્યું હતું કે, બે વખત દારૂબંધી અંગેની ચર્ચામાં પ્રદીપસિંહે ટીપ્પણી કરી કે, મારી પાસે દારૂની પરમીટ છે. ત્યારે હું કહેવા માંગુ છું કે, હું ધારાસભ્ય ન હતો ત્યારથી એટલે કે 10 વર્ષથી દારૂની પરમીટ ધરાવું છું જે કોઈ ગુનો નથી. તેથી ગૃહ રાજ્યમંત્રીની આવી વ્યક્તિગત ટિપ્પણી અયોગ્ય છે.
વિધાનસભામાં બીન સરકારી સંકલ્પ રજૂ કર્યા બાદ બોલતા કોંગ્રેસના રાજકોટના ધારાસભ્ય ઈન્દ્રનીલ રાજ્યગુરુએ ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ બે વખત કરેલી ટિપ્પણીનો જવાબ આપી રહ્યા હતા.