ફિક્સ પગારદારો અંગે ત્રણ દિવસમાં મોટા બે નિર્ણયની જાહેરાતઃ જાણો મળશે કેટલો પગાર? બીજો ક્યો મોટો લાભ મળશે?
રાજ્ય સરકારમાં નાયબ મામલતદાર, ડેપ્યુટી સેક્શન ઓફિસર, કોસ્ટેબલ, સબ ઈન્સ્પેક્ટર જેવી સામાન્ય કેડરોથી લઈને ટેકનિકલ કેડરોમાં અત્યારે ફિક્સ પગારના કર્મચારીઓનો ફિક્સ પગારનો પાંચ વર્ષનો કાર્યકાળ પ્રમોશન, મિડ ટર્મ કે સેમી ડાયરેક્ટની જગ્યાઓના પ્રમોશન માટે ગણવામાં આવતો નથી. તે સ્થિતી બદલાશે તો કર્મચારીઓને ફાયદો થશે.
પાંચ વર્ષનું પ્રોબેશન નોકરીનો સળંગ ભાગ ગણાય તો કલાસ-3ને પાંચ વર્ષે અને ક્લાસ-2ને 7 વર્ષે મળતા પ્રમોશનો ઝડપથી મળે. સામાન્ય વહિવટ વિભાગે જ્યારથી નિયુક્તિ થાય ત્યાર પછીના 6 મહિના કે એક વર્ષના પ્રોબેશન કાળને બાદ કરીને બાકીના 4.5 વર્ષ કે 4 વર્ષને પણ પ્રમોશન માટેની ગણતરીમાં લેવાની દરખાસ્ત સરકારમાં મોકલી છે.
સુપ્રીમ કોર્ટે કહેલા સમાન કામ-સમાન વેતનના સિદ્ધાંતના અનુસરવાથી મોટો બોજ આવે તેમ છે તેથી સરકાર છઠ્ઠા પગાર પંચનો લાભ આપવા વિચારે છે. બીજી તરફ પ્રોબેશન કાળના પાંચ વર્ષના એરિયર્સ મુદ્દે સરકાર અસમંજસમાં છે. આગામી બે દિવસમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ આ અંગે અંતિમ નિર્ણય લેશે.
આ ઉપરાંત સરકાર ફિક્સ પગારદારોના પાંચ વર્ષના ફિક્સ પગાર સમયના પ્રોબેશનના સમયને પણ નોકરીનો ભાગ ગણવાની ખાતરી આપશે. હાલમાં ફિક્સ પગારના પાંચ વર્ષને પ્રોબેશન કાળ ગણવામાં આવે છે. તેને બદલે સરકાર આ પાંચ વર્ષની નોકરીને પણ સળંગ નોકરીના વર્ષમાં ગણવા તૈયાર થઈ હોવાના અહેવાલ છે.
જો કે આ અંગે અંતિમ નિર્ણય નથી લેવાયો અને તે માટે અધિકારીઓ જવાબદાર છે. સરકારી અધિકારીઓ આ મુદ્દાને ઠેલી રહ્યા છે અને સુપ્રિમ કોર્ટના ચૂકાદાની રાહ જોવા દબાણ કરી રહ્યા છે. સુપ્રીમ કોર્ટે સરકારને પહેલાં જ ખખડાવી છે તેના કારણે ફરી આ સ્થિતી ના સર્જાય એટલે સરકાર એ પહેલાં જ કોઈ નિર્ણય લે તેવી શક્યતા છે.
ગાંધીનગર: ગુજરાત સરકારના ફિક્સ પગારદારોના મુદ્દે સુપ્રિમ કોર્ટમાં ચાલતા કેસની 10 જાન્યુઆરીએ સુનાવણી છે ત્યારે ગુજરાત સરકારે આ અંગે બહુ મહત્વનો નિર્ણય લીધો હોવાના અહેવાલ છે. ગુજરાત સરકાર ફિક્સ પગારદારોને છઠ્ઠા પગાર પંચ પ્રમાણે પગાર આપવા તૈયાર છે અને સુપ્રીમ કોર્ટમાં આ બાંહેધરી આપશે તેવા અહેવાલ છે.