ગાંધીનગરના વિદ્યાર્થીએ મોદીને લખ્યો પત્રઃ સર, થોડી જવાબદારી લો અને આવું ફરી ના બને એ માટે અંતિમ નિર્ણય લો, જાણો વિગત
અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો 20 જૂલાઇનો ગુજરાત પ્રવાસ રદ કરવામાં આવ્યો છે. વડાપ્રધાન મોદીના ગુજરાત પ્રવાસ દરમિયાન ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીના પદવીદાન સમારોહમાં હાજરી આપવાના હતા. પરંતુ વડાપ્રધાનનો પ્રવાસ રદ થવાના કારણે ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીનો પદવીદાન સમારંભ પણ રદ કરવામાં આવ્યો છે. પદવીદાન સમારંભ રદ થવાના કારણે પરેશાન એક વિદ્યાર્થીએ વડાપ્રધાનને કડક શબ્દોમાં એક પત્ર લખ્યો છે.
પત્રમાં વિદ્યાર્થીએ પદવીદાન સમારંભના કાર્યક્રમની તારીખ વારંવાર બદલવાને કારણે પોતાને પડી રહેલી મુશ્કેલીઓ વર્ણવી હતી. વિદ્યાર્થીએ પત્રમાં લખ્યું કે, સર આ બાબતની થોડી જવાબદારી લો અને મહેરબાની કરીને આવું ફરીવાર બને તે માટે આ મામલે અંતિમ નિર્ણય સુધી આવી જાવ. વિદ્યાર્થીએ કાર્યક્રમ રદ થવાને કારણે તેમની ટિકિટ્સ અને બુકિંગ પણ રદ કરવા પડ્યા હતા અને તેને કારણે પોતાને ઉઠાવવા પડેલા નુકસાનનું પણ દર્દ વ્યક્ત કર્યું હતુ.
વિદ્યાર્થીએ કહ્યું કે વડાપ્રધાન આવવાની સંભાવનાઓને પગલે આગલી બેચના જે સ્ટુડન્ટ્સને ફેબ્રુઆરીમાં ડિગ્રી મળવાની હતી, તે પણ સ્થગિત રાખવામાં આવી. સાથે કહ્યુ હતું કે, રદ કરાવેલા બુકિંગ્સ અને ટીકીટ્સનું વડાપ્રધાન રાહત ફંડમાંથી અમને રિફંડ આપવામાં નહી આવે.
નોંધનીય છે કે ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીના કેટલાક વિદ્યાર્થીઓ 20 જૂલાઇના પદવીદાન સમારંભમાં તેમના માતાપિતાની હાજરીમાં વડાપ્રધાનના હસ્તે પદવી લેવા માંગતા હતા જેને કારણે તેમના માતાપિતાની બુકિંગ અગાઉથી જ કરી રાખી હતી. અગાઉ 17 જુલાઈએ તેમને જણાવવામાં આવ્યું હતું કે ભારે વરસાદને પગલે પદવીદાન સમારોહ મુલતવી રાખ્યો છે અને આગામી સમયમાં નવી તારીખ જાહેર કરવામાં આવશે.