ગુજરાતના નવા ચૂંટાયેલા ધારાસભ્યોને શપથવિધીની નથી ઉતાવળ, કારણ જાણીને થશે આશ્ચર્ય
ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીનાં પરિણામો આવી ગયાં એ વાતને 15 દિવસ થઈ ગયા હોવા છતાં ગુજરાત વિધાનસભાના નવા ચૂંટાયેલા ધારાસભ્યોની શપથવિધી નથી કરાઈ. આ વિલંબનું કારણ શું છે તે અંગે જાત જાતની અટકળો થઈ રહી છે ત્યારે આ અંગે રસપ્રદ વિગત બહાર આવી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ મામલે ભાજપ અને કોંગ્રેસ બંને એકમત છે ને કોઈ પક્ષ ધારાસભ્યોની શપથવિધી અંગે ઉતાવળ કરતો નથી તે પાછળનું આ કારણ છે. જો કે આવું પહેલી વાર નથી બન્યું. વર્ષ 2012ની ચૂંટણી બાદ પણ 17 જાન્યુઆરી 2013ના રોજ વિધાનસભાનું સત્ર બોલાવી શપથવિધિ કરાઇ હતી.
સામાન્ય લોકોને આ વાત જાણીને આશ્ચર્ય થશે પણ રાજકારણીઓ શુકન-અપશુકનમાં બહુ માનતા હોય છે તેથી તેમને હમણાં શપથવિધીમાં રસ નથી. અત્યારે શપથવિધી કરવાથી મનમાં વહેમ રહે તેના કરતાં શાંતિથી શપથ લેવામાં કશું ખાટુમોળું થવાનું નથી એવી તેમની માન્યતા છે.
નવા ધારાસભ્યોની શપથવિધી માટે ગૃહના સૌથી સીનિયર સભ્યની પ્રોટેમ સ્પીકર તરીકે નિમણૂક કરાય છે અને તેમની સમક્ષ ધારાસભ્યો શપથ ગ્રહણ કરશે. ગૃહમાં ચૂંટાયેલા ધારાસભ્યો આ વખતે કોને પ્રોટેમ સ્પીકર તરીકે પસંદ કરે છે તેના પર સૌની મીટ મંડાયેલી છે.
આ વખતે પણ 15 જાન્યુઆરી બાદ બે દિવસનું સત્ર મહાત્મા મંદિર ખાતે બોલાવાય તેવી શક્યતા જોવાઇ રહી છે. વિધાનસભામાં નવા ચૂંટાયેલા ધારાસભ્યોની શપથવિધિ માટેની કોઇ સમય મર્યાદા હોતી નથી પરંતુ એક કે બે દિવસનું ખાસ સત્ર બોલાવી એકસાથે શપથ લેવામાં આવતા હોય છે.
રાજકીય વર્તુળોના જણાવ્યા પ્રમાણે ધારાસભ્યો સામી ઉત્તરાયણે શપથવિધી કરવા નથી માગતા. સામી ઉત્તરાયણે સારૂં કામ કરવું અપશુકન મનાય છે તેથી કમુરતા ઉતર્યા બાદ એટલે કે ઉત્તરાયણ પછી નવા ચૂંટાયેલા તમામ ધારાસભ્યોની શપથવિધિ થાય તેવી શક્યતા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -