વલસાડઃ ફાર્મ હાઉસમાં ચાલતી હતી દારૂની મહેફિલ, પોલીસે રેડ પાડી 40થી વધુ દારૂડિયાઓને ઝડપ્યા
વલસાડ એલસીબીને વલસાડ રૂરલ પોલીસને સાથે રાખીને ફાર્મહાઉસ પર રેડ મારી હતી અને દારૂની મહેફિલ માણતા 40થી વધુ લોકોને ઝડપી પાડ્યા હતા. પોલીસે અનેક મોટા માથાઓ અને અગ્રણીઓને દારૂની મહેફિલ માણતા ઝડપ્યા હતા.
વલસાડઃ વલસાડ જિલ્લાના નંદીગ્રામ ખાતે આવેલા કાજલ ફાર્મ હાઉસ પર પોલીસે દરોડો પાડી દારૂની મહેફિલ માણતા 40થી વધુ લોકોને ઝડપી પાડ્યા હતા. વલસાડ જિલ્લા એલ.સી.બી અને વલસાડ રૂરલ પોલીસે કાજલ ફાર્મહાઉસ પર દરોડો પાડી 40 થી વધુ લોકોને દારૂની મહેફિલ માણતા ઝડપ્યા હતા.
મળતી જાણકારી પ્રમાણે, વલસાડ એલસીબીને બાતમી મળી હતી કે, નંદીગ્રામના કાજલ ફાર્મ હાઉસમાં કાપરી ગામના સરપંચ દીપેન પટેલના જન્મદિવસની ઉજવણીની પાર્ટી રાખવામાં આવી છે.
હાલ તો પોલીસે તમામને ઝડપી પાડી તેમના વિરુદ્ધ ગુન્હો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી હતી. તમામ આરોપીનું મેડિકલ કરી વધુ તપાસ રૂરલ પોલીસે હાથ ધરી હતી. ત્યારબાદ પોલીસે તમામના નિવેદન લીધા હતા. પોલીસે તેમની પાસેથી મોબાઇલ પર કબજે કર્યા હતા.
પોલીસને ઘટના સ્થળેથી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસ દરોડામાં વલસાડ નગરપાલિકાના અપક્ષ સભ્ય, બિલ્ડર રણછોડ મીર , બિલ્ડર મુકેશ પટેલ સહિત 40 થી વધુ લોકો ઝડપાયા હતા.