અમરેલી: મંડપ ખોલી રહ્યા હતા ત્યારે 5 મજૂરોને લાગ્યો કરંટ, જાણો કેવી રીતે બની ઘટના
ડોમને ખોલવાની કામગીરી દરમિયાન વીજળીનો કરંટ લાગવાને કારણે પાંચ લોકોનાં મોત નિપજ્યાં હતા. કથાના સ્થળે એક સાથે પાંચ મજૂરોનાં મોત થતાં અરેરાટી વ્યાપી ગઈ હતી.
કુકાવાવ નજીક ભાયાવદર ગામ ખાતે સર્જાયેલી દુર્ઘટનામાં પાંચ મજૂરોનાં મોત નિપજ્યા હતાં. અહીં આવેલા મગનબાપા આશ્રમ ખાતે છેલ્લા સાત દિવસથી શિવકથાનું આયોજન કરાયું હતું. શુક્રવારે કથાની પૂર્ણાહૂતિ થઈ હતી. ત્યાર બાદ અહીં લગાવવામાં આવેલો વિશાળ ડોમ કાઢવાની કામગીરી શનિવારે વહેલી સવારથી શરૂ કરવામાં આવી હતી.
સીડી ઉપર રહેલા વ્યક્તિ તેમજ તેને પકડીને નીચે ઉભા રહેલા તમામ લોકોને વીજળોનો કરંડ લાગ્યો હતો. કુલ છ મજૂરો ડોમ ખોલવાનું કામ કરી રહ્યા હતા. જેમાંથી પાંચનાં મોત થયા છે, તેમજ એક વ્યક્તિને સારવાર માટે કુકાવાવ ખસેડવામાં આવ્યો છે. મોતને ભેટેલા મજૂરો અમરાપુર ગામના હોવાનું કહેવામાં આવી રહ્યું છે.
શિવકથા માટે ગુરુદેવ મંડપ સર્વિસ દ્વારા વિશાળ ડોમ બાંધવામાં આવ્યો હતો. ડોમ બાંધવા માટે લોખંડનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. શનિવારે સવારે મંડપ સર્વિસના કારીગરો લોખંડની સીડી લઈને મંડપ ખોલી રહ્યા હતા. એક મજૂર સીડી ઉપર હતો જ્યારે બાકીના કારીગરો સીડીને ખસેડવાનું કામ કરી રહ્યા હતા. આ દરમિયાન ઉપરથી પસાર થતાં વીજળીના તાર સાથે આ સીડી અડી ગઈ હતી અને તમામ લોકોને કરંટ લાગ્યો હતો.
અમરેલી: અમરેલી જિલ્લાના વડિયાના ભાયાવદર ગામે બનેલી એક ભયાનક ઘટનામાં કરંટ લાગવાથી પાંચ મજૂરોના કમકમાટીભર્યા મોત નિપજ્યાં છે. આ મજૂરો મંડપ ખોલી રહ્યા હતા ત્યારે તેઓ જે સ્ટેન્ડ પર ચઢ્યા હતા જોકે નજીકમાંથી પસાર થતી હાઈ ટેન્શન લાઈનને અડી જતાં પાંચેય મજૂરો ગણતરીની સેકંડોમાં જ મોતને ભેટ્યા હતા.