સાબરકાંઠાઃ જીપ અને ટ્રક વચ્ચે અકસ્માત, છનાં મોતથી અરેરાટી, 20 ઘાયલ
વિજયનર: સાબરકાંઠાના કુંડલા ગામ પાસે જીપ અને ટ્રક વચ્ચે અકસ્માત ગમખ્વાર અકસ્માત થતાં 6 લોકોનાં મોત નીપજ્યા હતા. જ્યારે 20થી વધુ લોકો ઘાયલ થયા હતા. આ અકસ્માતમાં ઘટનાસ્થળે જ ત્રણ લોકોના મોત થયા હતા. જ્યારે અન્ય ત્રણના સારવાર દરમિયાન મોત થયા હતા. ઘાયલોને ખેડબ્રહ્મા અને હિંમતનગર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
રેતી ભરવા જતી ટ્રક અને જીપ સામસામે અથડાતાં ઘટનાસ્થળે જ 3નાં મોત નીપજ્યા હતા. જ્યારે ખેડબ્રહ્મા ખાતે 3નાં મોત થયા હોવાનું જાણવા મળે છે. આ અકસ્માતમાં લસુબેન ઉદાભાઈ ભગોરા (ઉ.વ. 20), કરણભાઈ વરતાભાઈ લીંબડ (ઉ.વ. 15), શાંતાબેન દુદાભાઈ ભગોરા (ઉ.વ. 15) અન્ય ત્રણ મૃતકોના નામ હજુ સુધી જાણવા મળ્યા નથી.
બનાવની વિગતો એવી છે કે, આજે સવારે ખેતમજૂરો નવાપગા ખારા બેડીથી જીપમાં બેસીને નીકલ્યા હતા અને તેઓ ઈડરના ચોરવાડ ગામે બટાટા કાઢવાનું કામ કરવા જઈ રહ્યા હતા ત્યારે અકસ્માતનો બનાવ બનવા પામ્યો હતો. આ બનાવ આશ્રમ નજીક પુડળા ત્રણ રસ્તા આંતરસુબા બીએડ કોલેજ પાસે બન્યો હતો.
અકસ્માતમાં મોતને ભેટનારનો આંકડો વધી શકે તેવી શક્યતા છે. એક્સિડન્ટમાં કેટલાકની હાલત ગંભીર હોવાનું બહાર આવ્યું છે.