ગુજરાતમાં ચાર દિવસમાં બીજી પાકિસ્તાની બોટની ઘૂસણખોરી, 8 પાકિસ્તાની ઝડપાયા, જાણો અન્ય વિગતો
ભૂજઃ કચ્છમાં પાકિસ્તાનને જોડતા દરિયાઇ ક્રિક વિસ્તારમાંથી બીએસએફના જવાનોએ 8 પાકિસ્તાનીઓને બોટ સાથે ઝડપી લીધાં છે. ગુજરાતના દરિયાકાંઠેથી ચાર જ દિવસમાં બીજી પાકિસ્તાની બોટ ઝડપાતાં એજન્સીઓ સતર્ક થઈ ગઈ છે. આ પહેલાં 9 પાકિસ્તાની સાથેની બોટ ઝડપાઈ હતી.
પાકિસ્તાને પચાવી પાડેલા કશ્મીરમાં ભારતીય લશ્કરે આતંકી છાવણીઓને સાફ કર્યાં પછી છંછેડાયેલાં આતંકી સંગઠનો દ્વારા ભારતમાં ફિદાયીન હુમલાની યોજનાના આઈબીના ઇનપુટ સુરક્ષાદળોને સતર્ક કરવામાં આવ્યાં છે. તેના કારણે ગુજરાતના દરિયાકાંઠે સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરી દેવાઈ છે.
આઈબીના રીપોર્ટ છે કે સરહદી વિસ્તારોમાંથી આતંકીઓ પેરાશૂટ કે પેરાગ્લાઇડર દ્વારા ઘૂસણખોરી કરવાની વેતરણમાં છે. ગુજરાત પોલિસને સૂચનાઓ આપી દેવાઈ છે કે તેઓ બીએસએફને મદદ કરે. ગુજરાતના સીમા વિસ્તારોમાં પેરાગ્લાઇડર જેવી ઉડાન પ્રવૃત્તિ પર મનાઇ ફરમાવી દેવાઈ છે.
પાકિસ્તાનને લાગતી સીમા પર હાલમાં ફાયરિંગની ઘટનાઓમાં પૂરજોર વધારો પણ થયો છે ત્યારે કવર ફાયરિંગ દ્વારા ભારતીય સુરક્ષા દળોનું ધ્યાન અન્યત્ર ખેંચીને આતંકીઓની ઘૂસણખોરી કરાવવાના પ્રયાસો ચાલી રહ્યાં છે. ગુજરાત પાકિસ્તાનની નજીક છે તેથી અહીં ખતરો વધારે છે.
બીએસએફના જવાનો કચ્છના કોટેશ્વર વિસ્તારમાં આવેલી સંવેદનશીલ પડાલા ક્રિકમાં ચૌહાણ નાળા પાસે પીલ્લર નંબર જી-43 નજીક પેટ્રોલિંગમાં હતા, ત્યારે તેમને બોટમાં સવાર 8 પાકિસ્તાનીઓની શંકાસ્પદ હિલચાલ જોવા મળી હતી. જવાનોએ તરત જ તમામની ધરપકડ કરી હતી.
બોટમાં પકડાયેલા પાકિસ્તાનીઓ પાસેથી વાંધાજનક સામગ્રી મળી હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. બીએસએફ દ્વારા તમામની પૂછપરછ હાથ ધરાઇ છે. હાલમાં પાકિસ્તાન સાથે યુદ્ધના ભણકારા વાગી રહ્યા છે ત્યારે જ દરીયાઇ વિસ્તારમાંથી પાકિસ્તાની નાગરિકો ઝડપાતાં સુરક્ષા એજન્સીઓ ચિંતિત છે.