ગુજરાતમાં કેટલી છે ‘વાંઢા’ની સંખ્યા, ક્યા જિલ્લામાં સૌથી વધુ ‘વાંઢા’ ? જાણો 2011ની વસતી ગણતરીની વિગતો
ગુજરાતમાં સૌથી વધુ અપરીણિત લોકો પોરબંદરમાં છે. પોરબંદર જિલ્લાની કુલ વસતીમાં, 25 વર્ષ કરતાં વધુ વય થઈ ગઈ હોવા છતાં લગ્ન નહીં કરનારા લોકોનું પ્રમાણ 7.48 ટકા છે. એ પછી નવસારી (7.22 ટકા), જૂનાગઢ (6.75 ટકા), ભરૂચ (6.61 ટકા) અને અમદાવાદ (6.53 ટકા) છે.
ગુજરાતમાં 25 વર્ષથી વધારે વય થઈ હોવા છતાં લગ્ન ના થયાં હોય તેવાં લોકોની સંખ્યા 17.75 લાખ છે અને તેમાં પણ 70 ટકા પુરૂષો છે. ગુજરાતમાં 2011ની વસતી ગણતરી પ્રમાણે 1000 છોકરા સામે છોકરીઓનું પ્રમાણ માત્ર 886 છે.
આ આંકડાનું વિશ્લેષણ કરીએ તો કહી શકાય કે રાજ્યમાં આ વય જૂથમાં દર સાત અપરીણિત યુવકો સામે બે યુવતી અપરીણિત છે. આ પ્રમાણ બહુ ઉંચું કહેવાય. અપરીણિત યુવતીઓની સંખ્યા ઓછી છે તે જોતાં આ પૈકીના મોટા ભાગના યુવકોનાં લગ્ન જ નહીં થાય.
આ આંકડા પ્રમાણે ગુજરાતમાં 25થી 34 વર્ષની વચ્ચે અપરીણિત લોકોની સંખ્યા 11.83 લાખ છે. આ પૈકી 9.16 લાખ યુવકો છે જ્યારે માત્ર 2.67 લાખ યુવતીઓ છે. મતલબ કે અપરીણિત યુવકોની સંખ્યા યુવતીઓ કરતાં ત્રણ ગણાથી પણ વધારે છે.
અમદાવાદઃ દેશમાં છોકરાઓની સરખામણીમાં છોકરીઓની સંખ્યા ઓછી હોય તેવાં રાજ્યોમાં ગુજરાત મોખરે છે. તેની સામાજિક અસર એ પડી રહી છે કે ગુજરાતમાં મોટી સંખ્યામાં યુવકો વાંઢા રહી જાય છે. 2011ની વસતી ગણતરીના આધારે બહાર પડાયેલા આંકડા તેના પુરાવારૂપ છે.