જામનગરમાં 100 કરોડના કૌભાંડનો કેસ લડી રહેલા વકીલની જાહેરમાં હત્યા, જાણો કઈ રીતે ઝનૂનથી રહેંસી નંખાયા ?
આ શખ્સે વકીલ કિરીટ જોષીને શરીરમાં 30 જેટલા છરીના ઘા ઝીક્યા હતા અને બાદમાં બન્ને શખ્સો બાઇક પર ફરાર થયા ગયા હતાં. જાહેરમાં હત્યાના બનાવના પગલે એસ.પી. પ્રદીપ સેજુળ સહીતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને સીસીટીવી ફુટેજના આધારે બંને હત્યારાની શોધખોળ હાથ ધરી છે.
વકીલ કીરીટ જોશી અત્યંત ચર્ચાસ્પદ બનેલા રૂપિયા 100 કરોડના ઇવાપાર્ક જમીન કૌંભાડ સહીત અનેક કેસ લડી રહ્યા હતા તેથી કયાં કારણોસર તેઓની હત્યા કરવામાં આવી તે ચર્ચાનો વિષય બન્યો છે. બાઇક પર આવેલા બંને શખ્સો કોણ હતાં અને તેનો હત્યાનો ઇરાદો શું હતો તે તપાસનો વિષય બન્યો છે.
મોડી રાત્રીન પોલીસે ચકાસેલા સીસીટીવી કેમેરામાં બંને હત્યારાઓનું પગેરૂં મળ્યું છે જેના પગલે પોલીસ તપાસમાં લાગી છે.પોલીસની આ અંગે અલગ અલગ ટીમો પણ બનાવામાં આવી છે. આ પ્રકરણ ભડકો કરે તે પહેલાં જ તેને ડામી અને આરોપીઓને પકડી કેસ ઉકેલી નાંખવામાં પોલીસ લાગી ગઇ છે.
કિરીટ જોષીની સનસનાટી ભરી હત્યા બાદ ઘટનાસ્થળે દોડી ગયેલા એસ પી પ્રદીપ શેજુલે જણાવ્યું હતુ કે જોષીની અત્યંત ઝનુની રીતે હત્યા બે શખ્સો દ્વારા કરવામાં આવી છે. જામનગર પોલીસ અત્યારે કિરીટ ખુનના ભેદને ઉકેલવામાં તેમજ તેના હત્યારાઓને પકડવામાં લાગી ગઇ છે.
ઘટનાની જાણ થતા જ વકીલોમાં ભારે રોષ ફેલાય ગયો છે અને હોસ્પીટલ ખાતે ઉમટી પડ્યા હતાં ટાઉન હોલ જેવા શહેરના મધ્યમાં આવેલા ધમધમતા વિસ્તારમા હત્યાના પગલે દુકાનો ટપોપટ બંધ થઈ ગઈ હતી. આ ઘટનાના પગલે લોકોમાં ભારે રોષ છે ત્યારે હત્યાના વિરોધમાં વકીલો 30મીએ કોર્ટ કામકાજથી અળગા રહેશે.
વકીલની હત્યામાં કોન્ટ્રાક્ટ કિલર્સનો ઉપયોગ થયાની આશંકા છે. વકીલ કિરીટ જોષીની હત્યા નિપજાવનાર બાઇક પર આવેલા બે શખ્સો પૈકી બાઇક ચાલક શખ્સે વકીલ પાસે બાઇક ઉભુ રાખ્યું હતું.અને બાઇક પાછળ બેઠેલા શખ્સે બાઇક પરથી ઉતરી વકીલ કીરીટ જોષી સાથે હાથાપાય કરી છરીના ઘા ઝીકવાનુ શરૂ કરી દીધું હતું.
જામનગર: જામનગરમાં યુવા જાણીતા વકીલ કીરીટ જોશીની શનિવારે રાત્રીના ટ્રાફીકથી ધમધમતા ટાઉનહોલ વિસ્તારમાં જયોત ટાવર પાસે જાહેરમાં હત્યા થતાં ખળભળાટ મચ્યો છે. બાઇક પર આવેલા બે શખ્સોએ જાહેરમાં છરીના 30 જેટલા ઘા ઝીંકીને હત્યા કરી હતી અને પછી ફરાર થઇ ગયા હતા.