અમરેલીના 200 દલિત પરિવારોએ કેમ છોડ્યો હિન્દુ ધર્મ? શું કરી માંગણી?
અમરેલી: અમરેલીમાં 200 દલિત પરિવારોએ હિન્દુ ધર્મ છોડીને બૌધ ધર્મ અપનાવી લેતાં ભારે ચકચાર જાગી છે. આ દલિત પરિવારોએ હિન્દુ ધર્મના દેવી-દેવતાઓને સન્માન સાથે ઠેબી ડેમના પાણીમાં પધરાવી દીધા હતા. આ દલિત પરિવારોએ અમરેલીમાં થયેલા કસ્ટોડિયલ ડેથ પછી ચાલી રહેલા આંદોલનના ભાગરૂપે આ પગલું ભર્યું છે. આ કેસમાં દલિત સમાજ દ્વારા સીબીઆઇ તપાસની માગ કરાઇ છે.
આંદોલનાના ભાગ રૂપે ગઈ કાલે અમરેલી જીલ્લામાં રહેતા દલિત સમાજના 200 પરિવારના લોકોએ રેલી કાઢીને ઠેબી ડેમ ખાતે માન સન્માન સાથે હિન્દુ સમાજના દેવી-દેવતાઓના ફોટાને પધરાવીને બૌધ ધર્મ અપનાવી લીધો હતો.
કસ્ટોડીયલ ડેથમાં પકડાયેલા ચાર આરોપી ઉપરાંત હજુ પણ કોઇએ બનાવમાં સાથ આપ્યો હોય તેવી શંકા લાગતા દલિત સમાજે સીબીઆ તપાસની માગ કરી છે. જો 7મી જુલાઇ સુધીમાં કોઇ કાર્યવાહી નહીં કરાઇ તો યુવકની દફનાવેલી લાશને ગાંધીનગર ખાતે લઇ જઇને મુખ્યમંત્રીને રજુઆત કરાશે.
અમરેલીમાં થયેલા કસ્ટોડિયલ ડેથ પછી દલિતો તેમને થઈ રહેલા અન્યાય સામે અવાજ ઉઠાવ્યો છે. ડુંગરના યુવકનિા કસ્ટોડિયલ ડેથમાં ગઈ કાલે એલસીબીએ ચાર આરોપીની ધરપકડ કરી છે. જોકે, દલિત સમાજના લોકોને આ બનાવ બાબતે શંકાસ્પદ હોય તેવું લાગી રહ્યું છે. આ કસ્ટોડિયલ ડેથમાં જેલના કર્મચારી અથવા તો કોઇ અધિકારીના બનાવમાં સંડોવાયેલા હોવાનો આક્ષેપ તેઓ કરી રહ્યા છે.